સુરતની મીંઢોળા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 29 લાખનો વિદેશી દારૂ જપ્ત

સુરતઃ દારૂબંધીવાળા રાજ્ય ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂ ઝડપાતો હોય છે. ત્યારે સુરત LCBએ બુટલેગરનો દારૂ ઘુસાડવાનો નવો કીમિયો નિષ્ફળ કર્યો છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, કન્ટેનરની બંધ બોડીમાં પ્લાસ્ટિકના રો-મટિરિયલની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાનો નવો કીમિયો અજમાવ્યો હતો. પલસાણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના મીંઢોળા ચેકપોસ્ટ પર બાતમી મળી હતી. ત્યારે બાતમીને આધારે એલસીબીએ કન્ટેનર ઝડપી પાડ્યું છે.
મહારાષ્ટ્ર પાર્સિંગના કન્ટેનરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ કન્ટેનરમાં સેલવાસથી દારૂ ભરીને અમદાવાદ તરફ વિદેશી દારૂ લઈ જવામાં આવતો હતો. આ મામલે કન્ટેનરચાલક સુશીલ ગોદારાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 29.86 લાખનો વિદેશી દારૂ, કન્ટેનર, મોબાઈલ, રોકડા અને નકલી બિલ્ટી મળી કુલ 49.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વિદેશી દારૂ મોકલનારા દમણના પ્રિતેશ ઉર્ફે બંટી પટેલ, નંદકિશોર બિશ્નોઈ અને રાજપીપલા દારૂ લેવા આવનારા અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.