સુરતમાં લૂંટ વિથ મર્ડરના કેસમાં બે આરોપીની ધરપકડ, એક ફરાર
કિરણસિંહ ગોહિલ, સુરતઃ ઓલપાડના કન્યાસી ગામ નજીક બાઈક પર આવેલા ત્રણ મોબાઈલ સ્નેચરોએ બે રાહદારી યુવકને આંતરી ચપ્પુથી હુમલો કરી બને યુવકો પાસેથી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. જો કે, ગંભીર ઈજાના કારણે એક યુવકનું સારવાર દરમિયાન મોત થઈ જતા કિમ પોલીસે લૂંટ વિથ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, આખા લૂંટ વિથ મર્ડરની ઘટના ગંભીર હોવાથી જિલ્લા LCB તપાસમાં જોડાઈ હતી અને ભારે મહેનત બાદ ત્રણમાંથી બે વ્યક્તિને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે. જો કે, વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બંને આરોપી રીઢા અને મોબાઈલ સ્નેચરો છે. આ મોબાઈલ સ્નેચરોએ આખા જિલ્લાને બાનમાં લીધું હતું. આ રીઢા આરોપી મોબાઈલ સાયકલ લઈને નીકળે છે અને રસ્તે ચાલતા રાહદારી કે પછી અવાવરી જગ્યા પરથી પસાર થતા બાઈક સવારને શિકાર બનાવતા હતા. આ મોબાઈલ સ્નેચરો ચપ્પુથી હુમલો કરી મોબાઈલ, રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા. 25 નવેમ્બરના દિવસે ઓલપાડના કન્યાસી ગામ નજીક આ બાઈક પર આવેલા ત્રણ મોબાઈલ સ્નેચરો એ બે યુવકને આંતરીને ચપ્પુના ઘા મારી મોબાઈલ લૂંટી ફરાર થઇ ગયા હતા.
આરોપી ગોવિંદ ભજની બહેરા, સુબલ મોરલી ગોડા અને સંતોષ ગોપીચંદ પવાર બાઈક લઈને શિકારની શોધમાં નીકળ્યા હતા. આ આરોપી ઓલપાડના કન્યાસી વિસ્તારમાં શિવ ઇન્દ્રસ્ટીઝની ગેટ 2 પાસે ફરિયાદી અને મૃતક વિનોદ પીહાનેને આંતરી તેમની પર ચપ્પુ લઈ તૂટી પડ્યા હતા. બંનેનો મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. જો કે, મોબાઈલ સ્નેચરોના હુમલામાં વિનોદ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે સુરત ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર દરમિયાન મોત થતા કિમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ લૂંટ વિથ મર્ડરમાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ પણ જોડાઈ હતી અને અલગ અલગ એંગલથી તપાસ બાદ પોલીસે બે આરોપી ગોવિદા બહેરા અને સુબલ ગોડાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણમાંથી બેને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રીજા આરોપી સંતોષ પવારને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.