સુરતમાં ભજિયાં સાથે દવાનો કોડવર્ડ વાપરી MD ડ્રગ્સ વેચતા 3 નબીરાની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ તેમજ ગાંજા સહિત અનેક નસીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને પકડવામાં આવ્યા છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસને ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ઇસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. ભજિયાની લારી પર આ ડ્રગ્સ વેચાતું હતું. પોલીસે આ સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 125 ગ્રામ ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પાસેથી પોલીસ દ્વારા ડ્રગ્સ સહિત કુલ 13,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે, સુરતના કતારગામ વિસ્તારના હોળી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરીની ગલીમાં ભજિયાંની દુકાન પર એમડી ડ્રગ કેટલા ઇસમો ડ્રગ્સ વેચી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ભજીયાની લારી પર તપાસ કરીને લારી ચલાવનાર મોઇનુદ્દીન અંસારી તેમજ અન્ય બે ઇસમોની ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. લાલગેટ પોલીસે મોઇનુદ્દીન અંસારીની સાથે રાશિદ જમાલ ઉર્ફે બનારસી અંસારી તેમજ મોહમ્મદ જાફર ગોડીલની ધરપકડ કરી છે. આરોપી રાશિદજમાલ સાડીના ધંધા સાથે જોડાયેલો છે. તેમજ મોહમમ્દ જાફર કાપડ દલાલીનું કામ કરે છે. મહત્વની વાત છે કે, ભજિયાંની લારી ચલાવનાર મોઇનુદ્દીન અન્સારી એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો.
મુખ્ય આરોપી મોઇનુદ્દીન ભજિયાંની લારી ચલાવતો હોવાથી આરોપી રાશિદ જમાલ અને મોહમ્મદ જાફર બંને તેની પાસે બેસવા માટે આવતા હતા અને તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ આરોપીઓ પણ એમડીનો નશો કરવા લાગ્યા હતા. મોહમ્મદ જાફરનો ધંધો ધીમો ચાલવા લાગતા તેને પોતાના દુકાન અને ભજિયાંની લારી પર ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું અને મુંબઈથી અજાણ્યા વ્યક્તિ પાસેથી આ એમડીનો મુદ્દામાલ મંગાવ્યો હતો. ત્યારબાદ જરૂરિયાત મુજબ આરોપી રાશિદ જમાલ તેમજ મોહમ્મદ જાફરને આ મુદ્દામાલ વેચવા માટે આપતો હતો.
મહત્વની વાત છે કે, આરોપી રાશિદ અને મોઇનુદ્દીન ગ્રાહક પાસે રૂબરૂ જઈને વેરિફિકેશન કરતા હતા. ત્યારબાદ આ ડ્રગ્સની ડિલેવરી ગલી ખાંચામાં આપવા માટે જતા હતા અને ડ્રગ્સના બદલામાં રૂપિયા મેળવી લેતા હતા. તો આ ઘટનામાં આરોપી મોહમ્મદ પોતે પોતાનું કોઈ નામ ન આવે એટલા માટે મોઇનુદ્દીનના મોબાઈલથી જ ગ્રાહક સાથે વાત કરતો હતો અને આરોપીઓ ગ્રાહકો સાથે દવાના કોર્ડવર્ડથી વાતચીત કરતા હતા.