September 29, 2024

સુરતમાં કરોડોની લૂંટ, પોલીસે 4 કલાકમાં જ રૂપિયા સાથે પાંચની ધરપકડ કરી

અમિત રુપાપરા, સુરતઃ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાંચ કરોડની લૂંટની ઘટના બની હતી. તેના ઘટનામાં સુરત શહેર પોલીસ તેમજ વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે ઘટનાના ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને લૂંટની રકમ સાથે પાંચ ઈસમોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આ ઇસમો પાસેથી 4.54 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. ત્યારે આરોપીની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

20 સપ્ટેમ્બર 2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તાડવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ પર બપોરના અઢી વાગ્યા આસપાસ હરીશ વાંકાવાલા નામના વેપારી સાથે પાંચ કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. વેપારી પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે કારમાં અલગ અલગ થેલામાં 5 કરોડ રૂપિયા લઈને પોતાના ઘરથી 100 મીટર આગળ ગયા હતા. ત્યારે અજાણ્યા 5 ઈસમોએ હરીશ વાંકાવાલાને ગાળો આપી, ઝપાઝપી કરી તેમને માથાના ભાગે કોઈ પદાર્થ વડે માર મારી તેમની પાસે રહેલા પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

રોકડા રૂપિયાની સાથે આ ઈસમો શ્રીકાંત જોશીને પણ કારમાં બેસાડીને સાથે લઈ ગયા હતા. તો બીજી તરફ આ ઘટનાના પગલે હરીશ વાંકાવાલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક રાંદેર પોલીસની સાથે એસ.એપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત એસોજી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. આ ઘટનાના પગલે 200થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, gj 05 cj 0183 નંબરની કાર સુરતથી મુંબઈ નેશનલ હાઈવે તરફ જઈ રહી છે. તેથી પોલીસ દ્વારા આ બાબતે નવસારી તેમજ વલસાડ જિલ્લા સ્ટેટ કંટ્રોલને પણ માહિતી આપવામાં આવી હતી અને નાકાબંધી પોઇન્ટ એલર્ટ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસની સૂચના મળ્યા બાદ વલસાડ અને નવસારી પોલીસ સતર્ક થઈ હતી અને વલસાડ પોલીસ માહિતી મળી હતી કે બગવાડા ટોલનાકા પાસેથી સુરત પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી, તે કાર પોલીસને જોઈને ભાગી રહી છે. તેથી વલસાડ પોલીસ દ્વારા ઇનોવા કારનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ innova કારમાંથી રોકડા રૂપિયા સાથે પોલીસે કયુમપાસા શેખ અને શૈલેન્દ્રસિંગ રાજપુતની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, કયુમપાસા શેખ મહારાષ્ટ્ર મુંબઇ ભીવંડીનો વતની છે અને શૈલેન્દ્રસિંગ રાજપૂત પણ મહારાષ્ટ્ર મુંબઈના જોગેશ્વરીનો વતની છે. આ બંને પાસેથી પોલીસે 4 કરોડ 54 લાખ 32 હજારનો મુદ્દામાલ ઉપરાંત પાંચ લાખ રૂપિયાની ઇનોવા કાર પણ જપ્ત કરી છે. તો બીજી તરફ આ ગુનામાં બીજા જે આરોપીઓ સાથે સંકળાયેલા હતા તે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા. તે દરમિયાન ભીલાડ પાસે બંધ કન્ટેનર સાથે આ કારનો અકસ્માત થયો હતો અને જેમાં ત્રણ ઈસમોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આ ત્રણેયને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે દીપક વૈતી, શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોઇરને ડિટેઇન કર્યા હતા.

આ ઘટનામાં સૌપ્રથમ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અયુમપાસા શેખ, શૈલેન્દ્ર, શૈલેષ ગાયકવાડ અને દીપક વૈતીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાંચમા આરોપી રાહુલ ભોઇરની પણ ધરપકડ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આરોપીની પૂછપરછમાં કેટલાક ખુલાસાઓ થયા હતા. આરોપી ગુનાને અંજામ આપવા માટે ત્રણ ટીમ બનાવી હતી અને બે ઇનોવા તથા એક અમેઝ ગાડીનો ઉપયોગ કર્યો હતો. ત્રણ વાહન પૈકી એક અમેઝ તેમજ બે ઇનોવા કાર પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. રાહુલ મિત્ર પાસેથી બારાતમાં અને લગ્ન પ્રસંગે જવાનું કહીને આ ગાડી ભાડે લાવ્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે. ધારના ગુનામાં પકડાયેલા આરોપીઓ સિવાય વધુ પણ આરોપી પણ આ ગુનામાં સંડોવાયેલા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, શૈલેન્દ્ર તેમજ રાહુલ મુખ્ય સૂત્રધાર છે. ગુનાને અંજામ આપવા માટે આરોપી શૈલેન્દ્ર પોતે ફાઇનાન્સનું કામ કરતો હતો અને કંપની સેક્રેટરી હોવાનો ડોળ કરી ફરિયાદીને મોટી મોટી વાતો કરીને ઝાંસામાં ફસાવ્યા હતા અને રૂપિયા લઇ ઘર બહાર આવવા માટે ફરિયાદીને તૈયાર કર્યા હતા. ત્યારબાદ રાહુલ અને શૈલેષ ગાયકવાડ પૈસા લઈ પોતાના માણસો અને ગાડીની વ્યવસ્થા કરી હતી.

તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર ખાતે રવાના કરીને વોન્ટેડ આરોપીના ઘર તેમ જ રહેઠાણ પર રેડ કરવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા આ ગુનામાં રિકવર કરવાનો બાકી મુદ્દામાલ રિકવર કરવા માટે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનાને અંજામ આપવા માટે આરોપી શૈલેન્દ્ર, રાહુલ, અયુમપાસા શૈલેષ ગાયકવાડ દ્વારા શિરસાટ ફાટા વિરાર ખાતે એક મિટિંગનું આયોજન કરી આ બાબતનું કાવતરું કર્યું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, શૈલેષ ગાયકવાડ સામે થાણેના કપૂરવાળી પોલીસ સ્ટેશન તેમજ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે અને આરોપી રાહુલ સામે વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે.