રાંદેરમાંથી કૂટણખાનું ઝડપાયું, 6 થાઈ યુવતીઓને છોડાવી; 4ની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે રેડ કર્યા બાદ થાઇલેન્ડની 6 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી. આ ઉપરાંત સંચાલક રોશન સિંગ તેમજ ચાર ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી અને બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પાલનપુર જકાતનાકા વી સ્ક્વેર બિલ્ડિંગના બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના ભાગરૂપે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડો કરવામાં આવતા દુકાનમાંથી 6 થાઇલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ 6 વિદેશી યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી.

પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો ત્યારે વેલનેસ સેન્ટરનો સંચાલક રોશન સિંગ તેમજ ચાર ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા અને આ ચાર ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું પણ સામે આવ્યુ છે. આ ઉપરાંત પોલીસ દ્વારા હની અને અભય સાળુંકે નામના બે અને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 5000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ વિદેશી યુવતીઓને 2000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, હની નામની મહિલા અને અભય સાળુંકે નામનો ઈસમ રોશન સિંગ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા.

પોલીસ દ્વારા આ વિદેશી યુવતીઓની પૂછપરછ કરવામાં આવી તે સમયે હકીકત સામે આવી હતી કે, આ તમામ યુવતી સુરતના મગદલ્લા ગામની રહેવાસી છે. મહત્વની વાત એ છે કે, મગદલ્લા ગામ અગાઉ પણ સ્પામાં કામ કરતી થાઈ ગર્લ માટે રહેવાની સુવિધા આપવા બાબતે વિવાદોમાં આવી ચૂક્યું છે. અગાઉ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા મગદલ્લા ગામમાં રહેતી વિદેશી યુવતીઓનો એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. મકાન માલિકો દ્વારા કઈ રીતે આ વિદેશી યુવતીઓને મકાન ભાડે આપવામાં આવે છે તે બાબતે પોલીસ દ્વારા ઝૂંબેશના ભાગરૂપે સર્વે હાથ ધર્યો હતો.

પોલીસના સર્વે બાદ પણ હજુ પણ કેટલાક મકાન માલિકો થાઇલેન્ડ સહિતની વિદેશી યુવતીઓને મકાન ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે અને હાલ રાંદેરના વેલનેસમાંથી દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. તેમાંથી થાઇલેન્ડની 6 યુવતીઓ ઝડપાઈ છે, તે તમામ મગદલ્લા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અગાઉ સુરતના મગદલ્લામાંથી દારૂ ગાંજા તેમજ અન્ય માદક દ્રવ્યોની પાર્ટી પર પોલીસે દરોડો કર્યો હતો. તે સમયે પણ વિદેશી યુવતી પોલીસના હાથે ઝડપાઈ હતી અને ત્યારબાદ ઝૂંબેશના ભાગરૂપે એક સર્વે હાથ ધરાયો હતો. પરંતુ પોલીસનો સર્વે પણ માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે.