રૂંધ ગામના જમીનનો વિવાદ, ગ્રામલોકોનો લઘુ ઉદ્યોગને જમીન આપવાનો વિરોધ
સુરતઃ વર્ષ 1968માં સુરતમાં તાપી નદીના કિનારે આવેલા રૂંધ ગામમાં પૂરની પરિસ્થિતિના કારણે મોટાભાગના ગામના લોકોના ઘર પાણીમાં તણાઈ ગયા હતા અને તેના જ કારણે રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકોને મકાન બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી અને આ બાબતે જે તે સમયે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.
પરિપત્ર બાદ પણ આ જમીનનો કબજો ગામના લોકોને આપવાના બદલે હવે જમીન લઘુ ઉદ્યોગ માટે ફાળવવામાં આવી રહી છે. ત્યારે ગ્રામજનો દ્વારા આ બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને જમીન ફાળવવામાં આવી હતી તે કાયમ રાખવામાં આવે અને લઘુ ઉદ્યોગ માટે જે જમીન આપવાની વાત છે તેને અન્ય જગ્યા પર આપવામાં આવે.
ગ્રામજનો દ્વારા અગાઉ આ બાબતે સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા પણ ગ્રામજનોને જમીન ફાળવવાનો આદેશ કરાયો હતો, પરંતુ મામલતદાર દ્વારા હજુ સુધી આ જમીન ગામના લોકોને ફાળવવામાં ન આવતી હોવાનો આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.