સુરતમાં સનાતન ધર્મ જ્ઞાનગોષ્ઠિનું આયોજન, સંતોની વેદાંગ યુનિવર્સિટી બનાવવાની માગ
અમિત રૂપાપરા, સુરતઃ સર્વધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સુરત શહેરમાં સનાતન ધર્મ જ્ઞાનગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શારદાપીઠ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે મુક્તાનંદ મહારાજ સાપરડા, વડતાલના ભાવિ આચાર્ય લાલજી મહારાજ, દુધરેજના કણીરામ બાપુ, જૂનાગઢના હરીહરાનંદ ભારતી બાપુ, લીમડીના લલિતકિશોર રામચરણદાસ મહારાજ સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય લાલજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તે પ્રકારે મૂળ સંપ્રદાયના આચાર્ય કામ કરી રહ્યા છે, પરંતુ જે લોકો સંપ્રદાય છોડીને પોતાના અલગ અલગ વાડા પાડી કામ કરી રહ્યા છે, તે મૂળ સંપ્રદાયની આચાર્ય પરંપરાને સ્વીકારતા નથી અને તેઓ સનાતન વૈદિક પરંપરાને નુકસાન કરે છે.
આ પણ વાંચોઃ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ, કયા ઉમેદવારો વચ્ચે જામશે જંગ?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સનાતન વૈદિક સંપ્રદાયના સંતો મહંતો અને જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજને જ પરંપરા અને સનાતન વૈદિક રીતરિવાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય તરીકે સ્વીકાર્યા છે. જે લોકો મૂળ સંપ્રદાયના બંધારણથી અલગ પડીને શાસ્ત્રો અને સનાતન ધર્મના સિદ્ધાંતોથી વિપરીત દેવી-દેવતાઓનું અપમાન જે મૂળ સંપ્રદાય છોડીને અલગ અલગ વાડા પાડી રહ્યા છે આ વાતને સનાતન ધર્મના સાધુ સંતો વખોડી કાઢે છે.’
સનાતન ધર્મની રક્ષા માટે સંતો દ્વારા જૂનાગઢમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન ગાંધીનગર કરવામાં આવ્યું હતું અને સંતોની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, સનાતન ધર્મના દેવી-દેવતા વિશે જે પણ સંતો શાસ્ત્રોના વિષયમાં અભદ્ર વાણી કે લખાણ કરશે તેની સામે સમસ્ત સાધુ સંતો એક થઈને સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા કાયદાકીય લડત આપવામાં આવશે.
ત્યારે સુરત યોજાયેલી સનાતન ધર્મ જ્ઞાનગૌષ્ઠિ કાર્યક્રમમાં પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘આ કોઈ રાજનૈતિક મંચ નથી. આ ઉપરાંત મુક્તાનંદ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મંચ પર જેટલા પણ સંતો બેઠા છે તેમાંથી કોઈ પણ સંત રાજકારણમાં જોડાશે નહીં. આ તમામ સંતો માત્ર સનાતન ધર્મ માટે એકઠાં થયા છે એમનો મૂળ ઉદ્દેશ એ છે કે, સનાતન ધર્મના પ્રચારો માટે વેદાંગ યુનિવર્સિટીની રચના કરવામાં આવે. આ તમામ સંતો સનાતન ધર્મના રક્ષણ માટે ચિંતન મનન કરશે. આ ઉપરાંત તેમની જણાવ્યું હતું કે, પોલિટિશિયન દેશ દાઝવાળો હોવો જોઈએ અને સંત વૈરાગ્યભાવવાળા હોવા જોઈએ. ધર્મ વગર કોઈ વ્યક્તિ ન હોઈ શકે અને ધર્મનું આચરણ કરશો તો જ ધર્મમાં આપણું રક્ષણ કરશે. સનાતન ધર્મની અંદર કોઈ મનસ્વી રીતે વર્તન ન કરે એટલા માટે આ સભાનું આયોજન કર્યું છે.