સ્મીમેર હોસ્પિટલ વિવાદ મામલે રેસિડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ, થાઈ ગર્લ બોલાવી હતી
અમિત રુપાપરા, સુરતઃ શહેરની સ્મીમેર મેડિકલ કોલેજમાં સ્પા ગર્લ લાવનારા રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ કમિટી દ્વારા ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અગાઉ પણ આ ડોક્ટર ઋત્વિક દરજીને રેગિંગના કેસમાં છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ડોક્ટર ઋત્વિક દરજી દ્વારા બોય્ઝ હોસ્ટેલમાં સ્પા ગર્લને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ગર્લ સાથે રૂમમાં મારામારી કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. શનિવાર રાતે બનેલી ઘટનાને સ્મીમેર હોસ્પિટલના પ્રશાસન દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ સમગ્ર મામલો મીડિયાના ધ્યાન આવતા હોસ્પિટલનું તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ સમગ્ર ઘટનાને લઈ સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ થાય તે માટે પાંચ સભ્યોની એક કમિટી રચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કમિટી દ્વારા સમગ્ર મામલે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પહેલા રિપોર્ટમાં કેટલીક ત્રુટીઓ જણાઇ હતી. તેથી મનપા કમિશનર દ્વારા ફરીથી બીજો રિપોર્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ડિન, રેક્ટર, અને વોર્ડનને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ પાસેથી સોગંદનામા લખાવતા વિવાદ
મહત્વની વાત છે કે, આ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર ઋત્વિક દરજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ડોક્ટર ઋત્વિક દરજી અગાઉ પણ રેગિંગના કેસમાં છ મહિના માટે સસ્પેન્ડ થયો હતો અને તે સમયે અન્ય ડોક્ટરને માર મારતા ઋત્વિક દરજીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતમાં મંદિરોના ડિમોલિશન મામલે VHP-બજરંગ દળ મેદાને
સ્મીમેર મેડિકલ કોલેજના અસિસ્ટન્ટ પ્રોફેસર ડોકટર રાજેન્દ્ર જોશી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જે તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. આ તપાસ સમિતિ દ્વારા તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટના આધારે ડોક્ટર ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ હવે આ મામલે ખાતાકીય તપાસ કરવામાં આવશે. આ ખાતાકીય તપાસ દરમિયાન નિર્ણય લેવામાં આવશે કે કેટલા સમય માટે આ રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે. ડોક્ટર ઋત્વિક દરજીને હાલ ટર્મિનેશનનો લેટર આપી દેવામાં આવશે અને ત્યારબાદ તેની સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવશે તપાસ કમિટી દ્વારા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે બાબત મારા ધ્યાન પર નથી. આ ઘટના સામે આવ્યા બાદ જે જે જગ્યા પર સુધારો કરવાની જરૂરિયાત જણાતી હતી તે તમામ જગ્યાઓ ઉપર સુધારો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.