June 30, 2024

સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અમિત રુપાપરા, સુરતઃ પાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજના અંતિમ વર્ષમાં ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબ દ્વારા સેટરડે નાઈટ મનાવવા બહારથી થાઈ ગર્લ બોલાવવામાં આવી હતી. જો કે, થાઈ ગર્લ અને તબીબ વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થતા તબીબે લાફો ઝીંકી દીધો હતો. જેના કારણે અસ્તવ્યસ્ત હાલતમાં સિક્યોરિટી અને પોલીસ પાસે દોડી ગયેલી થાઇ ગર્લને લઈ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે સુરત હોસ્પિટલના ડીન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરી કમિટીનું ગઠન કરવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ કમિટીના રિપોર્ટના અંતે કસૂરવાર તબીબ સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. બીજી તરફ, હોસ્પિટલની બોયઝ હોસ્ટેલના બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં દારૂ અને વોડકાની બોટલો પણ મળી આવી હતી.

સમયાંતરે વિવાદોના ઘેરામાં રહેલી પાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. મેડિકલ કોલેજના ફાઈનલ યરમાં ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજી વિવાદમાં આવ્યા છે. ઋત્વિક દરજીએ શનિવારની રાત્રે સેટરડે નાઈટ મનાવવા માટે બહારથી થાઇ ગર્લને બોલાવી હતી. મોડી રાત્રી દરમિયાન સુરત હોસ્પિટલના કેમ્પસમાં આવેલી હોસ્ટેલના એક ફ્લેટમાં આ થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. મોજ મસ્તી કરવા માટે બોલાવવામાં આવેલી થાઈ ગર્લ અને તબીબ ઋત્વિક દરજી વચ્ચે કોઈક કારણોસર માથાકૂટ થઈ હતી. ત્યારબાદ તબીબે થાઈ ગર્લને લાફો ઝીંકી દેતા મોટો વિવાદ ઉભો થયો હતો.

આ પણ વાંચોઃ કચ્છના દરિયાકિનારેથી ફરી મળ્યું કરોડોનું ડ્રગ્સ, 10 પેકેટ ચરસ જપ્ત

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, લાફો ઝીંક્યા બાદ થાઈ ગર્લ અસ્તવ્યસ્ત હાલતમાં હોસ્ટેલ બહાર સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ પાસે દોડી ગઈ હતી. આ સમગ્ર મામલો સામે આવતા મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. શનિવારે ઘટના બની હોવા છતાં સુરત સ્વીમેર હોસ્પિટલ તંત્રના ધ્યાને આ ઘટના શા માટે ન આવી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શનિવારે બનેલી આ ઘટના પર જાણે હોસ્પિટલના સંચાલકો દ્વારા પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનાનો વિવાદ વધતા અંતે સુરત સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા હતા.

આ પણ વાંચોઃ ડુપ્લિકેટ ખાતર વેચનારા-બનાવનારા ચાર લોકોની ધરપકડ, ખેડૂતોની ફરિયાદને આધારે કાર્યવાહી

આ સમગ્ર ઘટના અંગે સુરત સ્મીમેર હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર રાજેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે, ‘આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે. ઓર્થોપેડિક વિભાગના ફાઈનલ યરમાં અભ્યાસ કરતા ઋત્વિક દરજીએ કોઈ મહિલાને બોલાવી હતી. આ બાબતની જાણ એચઓડી વિભાગને કરવામાં આવી છે. રેસિડેન્ટ તબીબ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બહારથી બોલાવવામાં આવેલી મહિલા દોડતી દોડતી સિક્યોરિટી પાસે પહોંચી હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. આ ગંભીર પ્રકારની ઘટનાને લઈ મહત્વની મિટિંગ કરવામાં આવશે અને આ મિટિંગમાં કમિટીનું ગઠન કરાશે. કમિટી દ્વારા તપાસ કરી તબીબ સહિત જે કોઈ પણ કસૂરવાર હશે તેની સામે કડકથી કડક કાર્યવાહી કરાશે.’

રાત્રિ દરમિયાન સ્વીમેર હોસ્પિટલના કેમ્પસમાં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેવા વ્યક્તિને સિક્યોરિટી ગાર્ડના જવાનો દ્વારા પૂછપરછ કરવામાં આવે છે. જ્યાં રેસિડેન્ટ તબીબ દ્વારા બહારથી બોલાવવામાં આવેલી આ થાઈ ગર્લ પર સિક્યોરિટી ગાર્ડના જવાનોની નજર શા માટે ન પડી આવા અનેક સવાલોના ઘેરામાં સુરત સ્મીમેર હોસ્પિટલ ઘેરાઈ છે. બહારથી થાઈ ગર્લને બોલાવવામાં આવી તે વાતથી સિક્યોરિટી ગાર્ડના જવાનો અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. આ સમગ્ર ઘટના પર હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કમિટીની રચના કરી યોગ્ય તપાસ અને કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે. જો ક, રેસિડેન્ટ તબીબ દ્વારા સરકારી પ્રિમાયસિસમાં બહારથી થાઈ ગર્લ બોલાવી પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે ચર્ચાઇ રહ્યું છે. જો કે, તપાસના અંતે રેસિડેન્ટ તબિયત સામે કયા પ્રકારના કડક પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ સાથે જ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાંથી તેમજ હોસ્પિટલના કેમ્પસમાંથી મોટી માત્રામાં ખાલી દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી છે. જે બિલ્ડિંગમાં થાઈ ગર્લને લાવવામાં આવી હતી તે બિલ્ડિંગમાંથી જ બીજા માળ પર મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે રેસિડેન્ટ ડોક્ટરો શું ભણવા માટે હોસ્ટેલમાં રહે છે કે, પછી દારૂ પાર્ટીઓ કરવા માટે? ત્યારે હવે હોસ્પિટલનું તંત્ર આ પ્રકારે દારૂ પાર્ટી કરતા રેસીડેન્ટ તબીબો સામે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું.