હોળીના તહેવારને લઈને સુરત બસ ડેપો દ્વારા 550 એકસ્ટ્રા બસો દોડાવાશે, જાણો તમામ માહિતી

અમિત રુપાપરા, સુરતઃ હોળી ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેર એસટી બસ ડેપો દ્વારા લોકો માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ વર્ષે લોકોને વધુ સુવિધા મળે તેવા હેતુથી 550 જેટલી એક્સ્ટ્રા બસો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દોડાવવામાં આવશે અને ત્રણ દિવસ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
સુરત શહેર રોજગારી આપનારું શહેર છે અને એટલા માટે જ સુરતમાં અલગ અલગ રાજ્યમાંથી લોકો રહેવા માટે સુરતમાં આવે છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પણ લોકો સુરત ખાતે રહેવા આવે છે. આ લોકો તહેવારની ઉજવણી પરિવારના સભ્યો સાથે કરવા માટે સુરતથી માદરે વતન જતા હોય છે. ત્યારે આવનારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી બસ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બસ ડેપો ખાતે મુસાફરોની ભીડ ન જોવા મળે અને લોકો આરામથી માદરે વતન જઈ શકે તે માટે સુરતથી દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા અને છોટા ઉદેપુર સુધી 550 એક્સટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
મહત્વની વાત છે કે, ગત વર્ષે પણ સુરત શહેર એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે 480 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને જેનો લાભ 30,000 મુસાફરો લીધો હતો. આ એક્સ્ટ્રા બસોના સંચાલનના કારણે સુરત એસટી વિભાગને 80 લાખ રૂપિયાની વધારાની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે 550 એક્સ્ટ્રા બસો દોડાવીને એક કરોડની આવક થશે તેવી સંભાવના સુરત એસટી વિભાગીય નિયામક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તો બીજી તરફ જો કોઈ જગ્યા પર 52 લોકો ભેગા થઈને ગ્રુપ બુકિંગ કરાવશે તો એસટી બસ લોકોના ઘર કે સોસાયટી સુધી તેમને લેવા માટે જશે. મહત્વની વાત એ છે કે, જે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેનું ભાડું પણ નિયમ મુજબ રેગ્યુલર રાખવામાં આવ્યું છે. એક્સ્ટ્રા બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ ડેપોની બાજુમાં આવેલા જિલ્લા પંચાયતના મેદાનમાંથી કરવામાં આવશે. જેથી કરીને એસટી બસ ડેપો પર લોકોને ભીડ ન રહે અને 10 માર્ચથી 12 માર્ચ સુધી આ એસટી બસનું સંચાલન કરવામાં આવશે.
મહત્વની વાત છે કે, 10થી 12 માર્ચ સુધી જે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેનું એડવાન્સ બુકિંગ લોકો સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, કડોદરા બસ સ્ટેશન ઉપરાંત નિગમની વેબસાઈટ પરથી ઓનલાઇન કરી શકશે.