વરાછા પૂર્વ ઝોન ઓફિસના એન્ટ્રી ગેટ પાસે ગટરનું ઢાંકણું તૂટેલું, મહાનગરપાલિકા દુર્ઘટનાની રાહ જોવે છે?

અમિત રુપાપરા, સુરતઃ શહેરના વરીયાવ વિસ્તારમાં ગટરમાં પડી જવાના કારણે બે વર્ષના કેદારનું મોત થયું હતું. આ બે વર્ષના બાળકનું મોત તંત્રની બેદરકારીના કારણે થયું હોવા છતાં પણ હજુ સુધી સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને આળસુ અધિકારીઓ સુધરવાનું નામ ન લેતા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, વરાછા પૂર્વ ઝોન ઓફિસના એન્ટ્રી ગેટ પાસે જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે. વરાછા પૂર્વ ઝોન ઓફિસની અંદર બોરવેલ કરવામાં આવ્યો છે, તે બોરવેલનું ઢાંકણું પણ તૂટેલી હાલતમાં છે. તો શું વરાછા પૂર્વ ઝોનના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? કે પછી અધિકારીઓને આ કામગીરી કરવામાં આળસ થાય છે.
સુરતના વરીયાવ વિસ્તારમાં બે વર્ષનો કેદાર ખુલ્લી ગટરમાં પડી ગયા બાદ તેનું મોત થવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે તૂટેલી ગટરના ઢાંકણા બદલવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આળસુ તંત્રના આળસુ અધિકારીઓ હજુ પણ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવા દ્રશ્ય વરાછા પૂર્વ ઝોન ઓફિસથી સામે આવ્યા છે.
વરાછા પૂર્વ ઝોન ઓફિસના એન્ટ્રી ગેટની બહાર જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું. લોકો દ્વારા આ ઢાંકણું બદલવા માટે અધિકારીઓને અરજી પણ કરવામાં આવી છે. છતાં પણ આ અધિકારીઓ દ્વારા ગટરનું તૂટેલું ઢાંકણું બદલવામાં આવી રહ્યું નથી. શું વરાછા પૂર્વ ઝોનના અધિકારીઓ કેદારના મોત જેવી બીજી ઘટનાની રાહ જોઈ રહ્યા છે? કે પછી આળસુ અધિકારીઓને પોતાની જ કચેરીના એન્ટ્રી ગેટ પર રહેલ ગટરનું તૂટેલું ઢાંકણું દેખાતું નથી.
ગટરના ઢાંકણાની વાતો સાઈડ પર રહી પરંતુ વરાછા પૂર્વ ઝોનની ઓફિસની અંદર જે બોરવેલ કરવામાં આવ્યું છે તે બોરવેલનું ઢાંકણું પણ તૂટેલી હાલતમાં છે. આ બોરવેલની ઊંડાઈ 33 મીટર છે અને પાણીનું લેવલ 31 મીટર સુધી છે. એટલે બોરવેલનું ઢાંકણું પણ તૂટેલી હાલતમાં હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે વરાછા પૂર્વ ઝોનના આળસુ અધિકારીઓ ક્યારે તૂટેલી ગટરનું ઢાંકણું અને બોરવેલનું તૂટેલું ઢાંકણું બદલશે તે જોવાનું રહ્યું?
વરાછા પૂર્વ ઝોન ઓફિસની અંદર બોરવેલનું ઢાંકણું તૂટી ગયું હોવા છતાં પણ તેને બદલાવવામાં આવતું નથી અને વરાછા ઝોનના એન્ટ્રી ગેટ પર ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા છતાં તેને બદલવામાં આવતું નથી, તો પછી વરાછા પૂર્વ ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર શું ખરેખર કોઈ કામગીરી સરખી રીતે આ આળસુ અધિકારીઓ કરતા હશે કે નહીં તે મોટો સવાલ છે?