December 29, 2024

સુરેન્દ્રનગરના કોરડા ગામે વીજળી પડતાં 27 વર્ષીય યુવાનનું મોત

સુરેન્દ્રનગરઃ છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના ચૂડા તાલુકામાંથી એક દુર્ઘટના સામે આવી છે. જેમાં કોરડા ગામે વીજળી પડતાં એક યુવાનનું મોત નીપજ્યું છે. કોરડાનો યુવાન રાત્રે સૂતો હતો ત્યારે વીજળી પડતા મોત નિપજયું છે.

કોરડા ગામે વીજળી પડતા 27 વર્ષીય રાજદિપસિંહ મસાણી નામના યુવાનનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે ભારે પવન સાથે વીજળીના કડાકાભડાકા થઈ રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તે સમયે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં રાજદિપસિંહ મસાણીનું મોત થયું હતું. ત્યારબાદ હાલ મૃતકના પોસ્ટમોર્ટમ અર્થે સાયલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

વીજળી પડતાં 5 લોકોનાં મોત
બે દિવસ પહેલાં અમરેલીમાં વીજળી પડતા એક જ પરિવારના 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા આંબરડી ગામે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 5 લોકોનાં મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, ખેતરમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે વીજળી પડતા 5 મજૂરોનાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.