January 4, 2025

સુરેન્દ્રનગરનું પ્રખ્યાત કાળા તલનું કચરિયું, મહારાષ્ટ્રથી માંડી વિદેશોમાં પણ માગ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કાળા તલનાં કચરિયાની શિયાળામાં ભરપૂર માગ રહે છે. આ કચરીયાનો સ્વાદ હવે ગુજરાત પૂરતો સિમિત ન રહેતા મહારાષ્ટ્ર, બેંગ્લોર સહિત વિદેશ સુધી પહોંચ્યો છે. સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા સમગ્ર રાજ્યની સાથે હવે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને મહારાષ્ટ્ર સહીત વિદેશોમાં આ કચરીયું મોકલવામાં આવે છે.

શિયાળાની ઋતુ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે સૌથી સારી ઋતુ માનવામાં આવે છે. શિયાળા દરમિયાન પૌષ્ટિક આહાર ખાવાનું એટલે જ ખૂબ મહત્વ રહેલું છે. તલના કચરિયાની વાત કરીએ તો સફેદ અને કાળા તલ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારા રસાયણ સમાન છે. કચરિયાનું નામ પડે એટલે સુરેન્દ્રનગર કેમ ભૂલાય!

શિયાળા દરમિયાન સુરેન્દ્રનગરમાં ઘરે-ઘરે લોકો રોજ સવારે એક-એક ચમચી કચરિયું ખાતા હોય છે. આખા ગુજરાતથી લઈ મહારાષ્ટ્રના મુંબઇ જેવા સિટીમાં તેમજ બેંગ્લોર સહિત વિદેશ સુધી સુરેન્દ્રનગરનું કચરિયું પાર્સલ મારફતે મોકલાય છે અને એનું વેચાણ થાય છે. આ પરંપરાગત શિયાળુ પાક તરીકે ઓળખાય છે, તેમાં ખજૂર, કાળા તલ, ગોળ, નાળિયેર, ગુંદર અને થોડા તેજાના મસાલા અને વિવિધ સૂકા મેવા જેવી સામગ્રી વાપરી બનાવવામાં આવે છે.

શરીરની પ્રણાલીને ઉષ્મા આપતી હોય એવી તમામ સામગ્રી આમાં વપરાય છે. સુરેન્દ્રનગર ગામમાં પ્રવેશતા તમને ઠેર-ઠેર સફેદ અને કાળા તલનું કચરિયું જોવા મળશે. એનું મુખ્ય કારણ એ છે કે પહેલાંના જમાનામાં સુરેન્દ્રનગરમાં તલની કાચી ઘાણીઓ હતી એટલે કે તલના દાણાને પીસવા માટે બળદનો ઉપયોગ કરી તેમાંથી તેલ કાઢવામાં આવતું હતું, જેને આજે કોલ્ડ પ્રેસ ઑઇલ કહેવાય છે, પણ હવે તો બધું મશીનથી ચાલે છે.

કચરિયું બનાવવાની શરૂઆત સુરેન્દ્રનગરથી થઈ હોવાથી અહીંના લોકોની કચરિયું બનાવવામાં માસ્ટરી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાનું કાળા તલનું પ્રખ્યાત કચરીયું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, પણ હવે ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પણ શિયાળમાં સુરેન્દ્રનગરના કચેરીયાનો સ્વાદ લેવાનું ચૂકતા નથી. સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા રાજ્યભરમાં કચરીયું મોકલવામાં આવતું હતું પણ હવે તો બોમ્બે, બેંગ્લોર જેવા શહેરો સહિત વિદેશ સુધી કચરીયું પહોંચ્યું છે.

કાળા તલ, ગોળ, સૂંઠ અને કાજુ-બદામ સહિતનાં ડ્રાયફ્રૂટ સાથે બનાવવામાં આવતું કચરીયું ખાવાથી શિયાળામાં શરીરમાં ગરમાવો રહે છે અને બાળકોને ખાસ એનર્જી પૂરી પાડે છે. તેમજ શરદી, કફ ઉધરસ જેવા વાયરલ રોગ સામે પણ રક્ષણ પૂરું પાડે છે. તેથી સ્વાદની સાથે સાથે આરોગ્ય માટે પણ ગુણકારી છે. સુરેન્દ્રનગર શહેરમાં અનેક વેપારી દ્વારા મોટાપાયે કચરીયાનું ઉત્પાદન કરવામાં આવે છે. એક વેપારી દીઠ દૈનિક અંદાજે 650થી 700 કિલોથી વધુ કચરીયાનું વેચાણ થાય છે. લોકોનાં આરોગ્ય માટે તો કચરીયું લાભદાયી છે જ સાથે સાથે કચરીયાના ઉદ્યોગને કારણે શિયાળાના ત્રણ કે ચાર માસ દરમિયાન શહેરના અનેક પરિવારો આ ઉદ્યોગ થકી રોજીરોટી મેળવી પરિવારનું ગુજરાન ચલાવે છે.