June 23, 2024

Sushant Singh Rajputનું 34 વર્ષની ઉંમરે મોત; 4 વર્ષથી મોતનું રહસ્ય અકબંધ

Sushant Singh Rajput Death Anniversary: સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડનો એ ચહેરો છે, જેને કોઈ ભૂલી શકે તેમ નથી. સુશાંતના નિધન પછી તેનો પરિવાર, સંબંધીઓ અને તેના ચાહકો પણ તેને વારંવાર યાદ કરે છે. સુશાંતે પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. જ્યારે તેણે આ ફાની દુનિયાને અલવિદા કહ્યું ત્યારે બધાની આંખો ભીની થઈ ગઈ હતી. સુશાંતનું મૃત્યુ આજે પણ એક રહસ્ય છે. 14 જૂન 2020ના રોજ બપોરે જ્યારે સુશાંત સિંહના નિધનના સમાચાર આવ્યા અને સમગ્ર દેશમાં ગભરાટ ફેલાયો હતો. આજે સુશાંતની પુણ્યતિથિ પર જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો.

સુશાંત સિંહના ચહેરા પર હંમેશા સુંદર સ્મિત રહેતું હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે સુશાંતની સરનેમ ‘ગુલશન’ હતી. સુશાંતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ પટનામાં થયો હતો. સુશાંત પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. સુશાંતની માતાના મૃત્યુ પછી આખો પરિવાર તૂટી ગયો હતો અને પટનાથી દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો. સુશાંતે 14 જૂન 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

સુશાંતે ટેલિવિઝન સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. તેનો પહેલો શો 2008માં સ્ટાર પ્લસનો રોમેન્ટિક ડ્રામા ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ હતો. ત્યારબાદ તેણે ઝી ટીવીના લોકપ્રિય શો ‘પવિત્ર રિશ્તા’થી ખ્યાતિ મેળવી હતી. તેણે ફિલ્મી કરિયરની શરૂઆત 2013માં આવેલી ફિલ્મ ‘કાઈ પો છે…’થી કરી હતી. આ પછી તેણે ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘પીકે’, ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’માં કામ કર્યું. 2016ની ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેણે મહેન્દ્ર સિંહ ધોનીની મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે બધાને પસંદ આવી હતી.

સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020ના રોજ 34 વર્ષની વયે અવસાન થયું હતું. સુશાંતનો મૃતદેહ મુંબઈના બાંદ્રા સ્થિત ફટાઈલમાંથી મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, સુશાંતના મૃત્યુનું કારણ આત્મહત્યા છે. પરંતુ સુશાંતના પરિવારનું કહેવું છે કે તેની હત્યા કરવામાં આવી હતી અથવા સુશાંતને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જ્યારે ચાહકો અને પરિવાર તરફથી ભારે માગ ઉઠી હતી, ત્યારે સરકારે આ કેસ સીબીઆઈને સોંપ્યો હતો. જ્યારે સીબીઆઈ હજુ પણ તેની તપાસ કરી રહી હતી ત્યારે કેસ એનસીબી તરફ વળ્યો હતો. ત્યારપછી પુરાવાના આધારે એનસીબીએ ઘણી હસ્તીઓની પૂછપરછ કરી હતી. સુશાંતના કેસમાં આખરે શું થયું તે હજુ પણ રહસ્ય છે. સુશાંતનો પરિવાર અને ચાહકો હજુ પણ ન્યાયની માગ કરી રહ્યા છે.