September 8, 2024

સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસ પકડથી દૂર

ભુજઃ થોડા દિવસો અગાઉ થાર ગાડીમાં બેસી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી અને સસ્પેન્ડેડ CID મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી પોલીસને થાપ આપી ફરાર થઈ ગઈ છે. કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી.

આ મામલે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી નાંખવામાં આવી હતી. પૂર્વ કચ્છ એસપીએ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી હતી. જોકે બાદમાં આ સસ્પેન્ડેડ લેડી કોન્સેબલને જામીન મળી ગયા હતા. ત્યારબાદ ગઈકાલે સેશન્સ કોર્ટે તેના જામીન રદ્દ કર્યા હતા. જે બાદથી આ લેડી પકોન્સ્ટેબલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

આ પણ વાંચો: રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું લાગે છે: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ

સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની અટકાયત કરવા માટે તેના ઘરે પહોંચી હતી પરતું તે ઘરે તાળું મારી ફરાર થઈ ગઈ હતી.હાલમાં કચ્છ પોલીસ નીતા ચૌધરીનું પગેરૂ શોધવા માટે તેનું લોકેશન મેળવવા માટે દોડધામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નીતા ચૌધરી બુટલેગર યુવરાજ સાથે દારૂના જથ્થા સાથે ઝડપાઇ હતી. ત્યારબાદ તપાસ કરતા નીતા ચૌધરી દારૂનો જથ્થો લાવી હોવાનું સામે આવ્યું હતું. નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી ઝડપાઈ હતી. ભચાઉના ચૌપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે કારમાં દારૂની મહેફિલ માણતા હતા. ત્યારે દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે રાતે ઝડપી પાડ્યા હતા. મહિલા પોલીસકર્મી અને બુટલેગરે સ્થાનિક પોલીસ પર ચડાવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે બંનેને ઝડપીને કારની તપાસ હાથ ધરી હતી. તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયામાં તે રિલ બનાવે છે અને રિલની રાણી બની જાય છે.