સ્વામિનારાયણ સંપ્રદાયની દ્વારકાધીશ વિશેની ટિપ્પણી મામલે ગુગળી બ્રાહ્મણો મેદાને, કહ્યું – કડક પગલાં લેવામાં આવે

દ્વારકાઃ થોડા સમય પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દ્વારકાધીશ મામલે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંપ્રદાયના સાહિત્યમાં પણ ભગવાન દ્વારકાધીશ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ ગુગળી બ્રાહ્મણો મેદાને ઉતર્યા છે.
દેવભૂમિ દ્વારકામાં 505 ગુગળી બ્રાહ્મણના પરિવાર રહે છે. તેમના દ્વારા ભગવાન દ્વારકાધીશ તથા સમસ્ત ગુગળી સમાજને બદનામ કરવા અને ભગવાન દ્વારકામાં નથી વડતાલમાં છે, એવાં નિવેદનો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યા હતા. તે મામલે મોટી સંખ્યામાં ગુગળી બ્રાહ્મણોએ વિરોધ કર્યો હતો અને રેલી કાઢી હતી. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કડક પગલાં લેવા આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ પ્રકારે બેફામ નિવેદન આપનારા સામે પગલાં લેવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.