December 21, 2024

જમ્મુ-કાશ્મીરના સુરનકોટથી BJPના ઉમેદવાર સૈયદ મુશ્તાક બુખારીનું નિધન

Jammu kashmir: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મંત્રી અને પહાડી નેતા સૈયદ મુસ્તાક બુખારીનું બુધવારે નિધન થયું છે. હૃદય બંધ થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે બુખારી સુનકોટથી ભાજપના ઉમેદવાર હતા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા. બુખારી ફેબ્રુઆરીમાં જ ભાજપમાં જોડાયા હતા. આ પહેલા તેઓ નેશનલ કોન્ફરન્સમાં હતા.

સૈયદ મુશ્તાક બુખારી પુંછ જિલ્લાના સુરનકોટથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. બુખારીને એક સમયે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાની ખૂબ નજીક માનવામાં આવતા હતા. પહાડી સમુદાયને એસટીનો દરજ્જો અપાવવા અંગે ફારુક અબ્દુલ્લા સાથેના મતભેદોને કારણે તેમણે ફેબ્રુઆરી 2022માં પાર્ટી સાથેનો તેમનો ચાર દાયકા જૂનો સંબંધ તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો: રાજસ્થાનઃ હનુમાનગઢ જંકશન સહિત અનેક રેલવે સ્ટેશનોને મળી બોમ્બની ધમકી

ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કવિન્દર ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, “હું બીજેપી નેતા મુશ્તાક બુખારી જીના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કરું છું.” પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ મુશ્તાક બુખારીના કમનસીબ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.