August 18, 2024

IND vs ZIM: ગિલની કેપ્ટનશિપમાં ભારતે 4-1થી સિરિઝ જીતી

નવી દિલ્હીઃ રવિવારે હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી પાંચમી T20 મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 167 રન બનાવ્યા હતા. તેની સામે ઝિમ્બાબ્વે 18.3 ઓવરમાં 10 વિકેટે 125 રન જ બનાવી શક્યું હતું. ભારતે આ મેચ 42 રને જીતી લીધી હતી. આ મેચમાં શિવમ દુબેને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 26 રન બનાવ્યા અને બે વિકેટ લીધી. જ્યારે વોશિંગ્ટન સુંદરને પ્લેયર ઓફ ધ સિરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે કુલ 28 રન બનાવ્યા અને આઠ વિકેટ લીધી હતી.

ઝિમ્બાબ્વેની ખરાબ શરૂઆત
168 રનના બનાવવા માટે ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત સારી રહી ન હતી. મુકેશ કુમારે ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે એક રનના સ્કોર પર માધવેરેને બોલ્ડ કર્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારપછી મુકેશે બ્રાયન બેનેટ પર નિશાન સાધ્યું અને તેને શિવમ દુબેના હાથે કેચ કરાવ્યો હતો. તે માત્ર 10 રન બનાવી શક્યો હતો.

ત્યારપછી મારુમણિ-માયર્સ વચ્ચે 44 રનની ભાગીદારી થઈ હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 44 રનની ભાગીદારી થઈ હતી. સુંદરે નવમી ઓવરમાં મારુમણીને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તે 27 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે માયર્સ 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં સિકંદર રઝાએ આઠ રન, કેમ્પબેલે ચાર રન, મદંડેએ એક રન, માવુતાએ ચાર રન બનાવ્યા હતા.

અકરમનું જોરદાર પ્રદર્શન
ભારત સામે આ સિરીઝની પ્રથમ મેચ રમનાર ફરાઝ અકરમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા. ત્યારબાદ બેટથી પણ ચમક્યો હતો. તેણે 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા મારીને 27 રન બનાવ્યા હતા. મુકેશ કુમારે 19મી ઓવરમાં અકરમને શિકાર બનાવ્યો હતો. જ્યારે નાગરવાએ શૂન્ય અને મુઝારાબાનીએ એક રન (અણનમ) બનાવ્યો હતો. ભારત તરફથી મુકેશ કુમારે કુલ ચાર વિકેટ ઝડપી હતી. તેણે માધવેરે, બેનેટ, અકરમ અને નગરાવાને આઉટ કર્યા હતા. આ સિવાય શિવમ દુબેએ બે જ્યારે તુષાર, સુંદર અને અભિષેકને એક-એક વિકેટ મળી હતી.

ભારતની શરૂઆત શાનદાર રહી હતી. આ મેચમાં જયસ્વાલે પ્રથમ બોલમાં 13 રન બનાવ્યા હતા. હકીકતમાં સિકંદર રઝાએ પહેલો નો બોલ ફેંક્યો હતો. ત્યારે જયસ્વાલે સિક્સર મારી હતી. ત્યારપછી ફ્રી હિટનો ફાયદો ઉઠાવીને તેણે બીજી સિક્સ ફટકારી હતી. જો કે, આ ઓવરના ચોથા બોલ પર રઝાએ તેને બોલ્ડ આઉટ કર્યો હતો. ત્યારબાદ અભિષેક શર્મા બેટિંગ કરવા આવ્યો જે માત્ર 14 રન બનાવી શક્યો હતો. પાવરપ્લેમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ગીલનું બેટ પણ આજે શાંત રહ્યું હતું. તે માત્ર 13 રન જ બનાવી શક્યો હતો.

સેમસને તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી
ત્યારબાદ સંજુ સેમસન અને રિયાન પરાગે મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. માવુતાએ 15મી ઓવરમાં પરાગને આઉટ કર્યો હતો. તે 22 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સંજુ સેમસન 58 રનની તોફાની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 39 બોલમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી હતી. વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગ દરમિયાન એક ફોર અને ચાર સિક્સર ફટકારી હતી. આ મેચમાં શિવમ દુબેએ 26 રન બનાવ્યા હતા. જ્યારે રિંકુ 11 રન બનાવીને અણનમ રહ્યો હતો અને સુંદર એક રન બનાવીને અણનમ રહ્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી મુઝારાબાનીએ બે જ્યારે રઝા રિચર્ડ અને માવુતાને એક-એક વિકેટ ઝડપી હતી.