November 22, 2024

T20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર, જાણો ક્યારે છે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

ICC T20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ફેન્સ લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા અને શુક્રવારે આતુરતા પૂર્વક જોવાતી રાહનો અંત આવ્યો. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને પાંચ-પાંચના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2010માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું પરંતુ તે પછી હવે તે ફરીથી યજમાન બની ગયું છે. જોકે આ વખતે તે અમેરિકા સાથે સંયુક્ત યજમાન છે. અમેરિકા પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાવાની છે.

ICC એ A, B, C, D નામના ચાર ગ્રુપ બનાવ્યા છે અને દરેક ગ્રુપમાં પાંચ ટીમો છે. ગ્રુપ સ્ટેજ પછી ફરીથી સુપર-8 થશે. આ પછી સેમી ફાઈનલ અને ફાઈનલ રમાશે. છેલ્લો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો જેમાં ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી. પ્રથમ મેચ 1 જૂને યુગાન્ડા અને અમેરિકા વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 29 જૂને યોજાશે.

ભારતીય ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. આ ટીમની સાથે બાકીની ચાર ટીમો પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન છે. ગ્રુપ સીમાં ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગીનીનો સમાવેશ થાય છે. ગ્રુપ ડીમાં દક્ષિણ આફ્રિકાની સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે.

અહીં જાણો શેડ્યૂલ

ગ્રુપ સ્ટેજ 1 જૂનથી શરૂ થશે અને 18 જૂન સુધી ચાલશે. આ પછી સુપર-8 સ્ટેજ હશે જે 24 જૂન સુધી ચાલશે. ભારતીય ટીમ 9 જૂને ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે તેની મેચ રમશે. જો કે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. આ ટીમ 12 જૂને અમેરિકા અને 15 જૂને કેનેડા સામે રમશે. ભારતે તેની પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કમાં રમવાની છે, જ્યારે ટીમ ફ્લોરિડામાં કેનેડા સામે મેચ રમશે. સેમિફાઇનલ મેચો 26-27 જૂનના રોજ રમાશે.