તેલંગાણામાં લૂને ‘આપત્તિ’ જાહેર કરાઈ, મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય

Telangana: એપ્રિલની શરૂઆતથી દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં ગરમીને કારણે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ દરમિયાન તેલંગાણા સરકારે એક મોટું પગલું ભર્યું છે. ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે મૃત્યુ પામેલા અને ગંભીર અસરોથી પ્રભાવિત પરિવારોને રાહતની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારે લૂને આપત્તિ જાહેર કરનાર તેલંગાણા દેશનું પહેલું રાજ્ય છે. સરકાર તરફથી આપવામાં આવેલ આદેશ હેઠળ લૂના કારણે મરનારના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મંગળવારે જારી કરાયેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય સરકારે તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત લોકોના પરિવારોને રાહત આપવાના ઉદ્દેશ્યથી ગરમીને ‘રાજ્ય-વિશિષ્ટ આપત્તિ’ તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે.”
તેલંગાણામાં ગરમીની અસર
રાજ્ય સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેલંગાણાના 28 જિલ્લાઓમાંથી 23 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 15 દિવસ સુધી ગરમીનું મોજું રહ્યું. જોકે, પાંચ જિલ્લાઓને આનાથી થોડી રાહત મળી છે. આ જિલ્લાઓમાં ભારે ગરમીના કારણે કમોસમી મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે પ્રભાવિત થયા છે.
સહાય રકમમાં ફેરફાર
અગાઉ, ગરમીના કારણે મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર “આપતનબંધુ” યોજના હેઠળ અસરગ્રસ્ત પરિવારોને 50000 રૂપિયાની રાહત રકમ આપતી હતી. પરંતુ હવે ગરમીના કારણે રાજ્ય વિશેષ આપત્તિ જાહેર થયા બાદ મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.