December 4, 2024

કાર અકસ્માતમાં 5 દિવસ પહેલા અભિનેત્રીનું મોત, હવે અભિનેતાએ કરી લીધી આત્મહત્યા

મુંબઈ: થોડા દિવસો પહેલા અભિનેત્રી પવિત્રા જયરામનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હવે તેના નજીકના મિત્ર અને સહ અભિનેતા ચંદ્રકાંતે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે ચંદ્રકાંતે તેલંગાણાના અલકાપુરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ચંદ્રકાંત અને પવિત્રા તેલુગુ ટીવી સિરિયલોમાં સાથે કામ કરતા હતા. કહેવાય છે કે બંને એકબીજાને ડેટ કરતા હતા.

ચંદ્રકાંતના પિતાએ પોલીસને આપેલા નિવેદન મુજબ તેમનો પુત્ર છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન હતો. પવિત્રાના મૃત્યુ પછી ચંદ્રકાંતને ભારે આઘાત લાગ્યો હતો. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર પવિત્રા માટે ઈમોશનલ નોટ પણ લખી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ પણ પવિત્રા વિશે હતી.

પવિત્રાનું ગયા અઠવાડિયે અવસાન થયું હતું
અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ચંદ્રકાંત અને પવિત્રા અલકાપુરના એક જ ઘરમાં થોડા સમય માટે સાથે રહેતા હતા જ્યાં ચંદ્રકાંતનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. રવિવાર, 12 મેના રોજ હૈદરાબાદમાં પવિત્ર જયરામની કાર સાથે બસની ટક્કર થઈ હતી. અકસ્માત સમયે પવિત્રાની બહેન અપેક્ષા, તેના ડ્રાઇવર શ્રીકાંત અને ચંદ્રકાંત પણ કારમાં હતા. એક અઠવાડિયામાં બે કલાકારોના મોતથી તેલુગુ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.

ચંદ્રકાંતને ટીવી સીરિયલ ત્રિનયનીથી ઘણી ખ્યાતિ મળી હતી. આ સીરિયલ આવ્યા બાદ તે ખૂબ જ ફેમસ થઈ ગયો હતો. પવિત્રા પહેલાથી જ તેલુગુ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તે ઘણા વર્ષોથી કામ કરતી હતી. પવિત્રા પરિણીત હતી અને તેના પતિથી અલગ થઈ ગઈ હતી. પવિત્રાને તેના પહેલા લગ્નથી બે બાળકો પણ છે. ચંદ્રકાંત ટીવી સિરિયલ ત્રિનયનીમાં પવિત્રાના પતિની ભૂમિકા ભજવી રહ્યો હતો. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ચંદ્રકાંતે કહ્યું હતું કે તે અને પવિત્રા બેંગ્લોર ટ્રિપ પછી તેમના સંબંધોની જાહેરાત કરવા જઈ રહ્યા છે.