December 3, 2024

જમ્મુ કાશ્મીરના ગાંદલબલમાં આતંકી હુમલો, 6ના મોત

Ganderbal Firing: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સોનમર્ગના ગગનગીર વિસ્તારમાં રવિવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ આતંકી હુમલો ગગનગીરમાં ઝેડ-મોડ ટનલના કેમ્પ સાઈટ પાસે થયો હતો. આ વિસ્તારમાં ટનલ બનાવવાનું કામ કરી રહેલી ખાનગી કંપનીના કેમ્પમાં કામદારો પર ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલા બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. ઓમર અબ્દુલ્લાએ ‘X’ પર લખ્યું, ‘સોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં બિન-સ્થાનિક મજૂરો પર કાયરતાપૂર્ણ હુમલાના અત્યંત દુઃખદ સમાચાર. આ લોકો વિસ્તારમાં એક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ આતંકી હુમલામાં 2ના મોત થયા છે અને 2-3 અન્ય ઘાયલ થયા છે. હું નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના હુમલાની સખત નિંદા કરું છું અને તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
આ પહેલા શનિવારે સેનાએ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીએ કહ્યું કે એલર્ટ સૈનિકોએ ઉરી સેક્ટરના કમલકોટ વિસ્તારમાં નિયંત્રણ રેખા પર શંકાસ્પદ ગતિવિધિઓ જોયા અને ઘૂસણખોરોને પડકાર ફેંક્યો. અધિકારીઓએ જણાવ્યું કે ઘૂસણખોરોએ ગોળીબાર શરૂ કર્યો, જેનો સેનાના જવાનોએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે એક ઘૂસણખોર માર્યો ગયો છે. તેમણે કહ્યું કે દુર્ગમ વિસ્તાર હોવાને કારણે માર્યા ગયેલા ઘૂસણખોરીનો મૃતદેહ હજુ સુધી મળી શક્યો નથી.