June 28, 2024

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, 10ના મોત

Terrorist Attack In Pakistan: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે, જેમાં 10 પોલીસકર્મીઓ શહીદ થયા છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં જ આતંકવાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો આ આતંકી હુમલામાં 10 પોલીસકર્મીઓ શહીદ થયા છે.

માહિતી અનુસાર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા છે, પોલીસે માહિતી આપી કે આતંકી હુમલામાં ઘાયલ થયેલા લોકોને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબાનમાં પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગે ભારે હથિયારોથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો. બીજી બાજુ સરકારી એજન્સીએ દાવો કર્યો કે આતંકી હુમલામાં પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ આતંકવાદીઓ રાતના અંધારામાં ભાગી ગયા હતા.

આ પણ વાંચો : ઈમરાન ખાનનો જીવ જોખમમાં, સેનાએ જીવિત રહેવા માટે આપ્યા ત્રણ વિકલ્પ

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધો છે અને તેમને પકડવા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન કરી દીધુ છે. પોલીસની સાથે રેપિડ એક્શન ફોર્સ પણ સ્થળ પર તૈનાત છે.
નોંધનીય છે કે પાકિસ્તાનમાં આગામી 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાડોશી દેશ સતત આતંકી હુમલાઓનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં બલૂચિસ્તાનમાં સતત ત્રણ આતંકવાદી હુમલામાં ચાર સરકારી કર્મચારીઓ અને બે નાગરિકોના મોત થયા હતા, ત્યારબાદ પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની અથડામણમાં નવ આતંકવાદીઓના પણ મોત થયા હતા.