January 19, 2025

થલાપતિ વિજયે શરૂ કરી વિધાનસભા ચૂંટણી-2026ની તૈયારીઓ

Thalapathy Vijay Politics: સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર કહેવાતા એક્ટર થલાપતિ વિજયે રાજકીય સફર તરફ વધુ એક ડગલું આગળ વધાર્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વિજયે પોતાની રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી જેનું નામ ‘તમિલગા વેત્રી કાઝમ’ (Tamilaga Vettri Kazhagam) હતું. માનવામાં આવે છે કે વિજયની પાર્ટી વર્ષ 2026માં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. આ દરમિયાન હવે થલાપતિ વિજય ગુરુવારે પોતાના રાજકીય પક્ષનો ધ્વજ બહાર પાડવા જઈ રહ્યા છે.

ધ્વજ ગીત પણ રજૂ કરશે
તમિલગા વેત્રી કાઝમના પ્રમુખ અભિનેતા થલાપતિ વિજય તેમના નવા નવનિર્મિત રાજકીય પક્ષનો ધ્વજ જાહેર કરશે. તેઓ પનૈયુરમાં પાર્ટી કાર્યાલય પર પાર્ટીનો ધ્વજ ફરકાવશે. આ સાથે તેઓ પાર્ટીના ધ્વજ ગીતને પણ રિલીઝ કરશે. એવું માનવામાં આવે છે કે આ પછી તેમની પાર્ટી પણ મેદાન પર ચૂંટણીની તૈયારી શરૂ કરશે.

2026માં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડશે
આ વર્ષે ફેબ્રુઆરીમાં અભિનેતા થલાપતિ વિજયે રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે વિજયે એમ પણ કહ્યું હતું કે તે વર્ષ 2026માં યોજાનારી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે થલાપતિ વિજયે આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોઈપણ ગઠબંધન અથવા પક્ષને સમર્થન આપ્યું ન હતું.