June 30, 2024

Surendranagar: કીડીને કણ અને હાથીને મણ, સેવાભાવી ગ્રુપે પૂરુ પાડ્યું કીડિયારું

વિજય ભટ્ટ, Surendranagar: સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક સેવાભાવી લોકો સેવાની જ્યોત થકી માનવતા દર્શાવી રહ્યા છે. ત્યારે થાન ખાતે બે સેવાભાવી ગ્રુપ દ્વારા થાન તાલુકાના વીડ વિસ્તારમાં 23000 નાળિયેરમાં ઘઉં, બાજરાનો લોટ, ગંગાજળ સહિત અંદાજે 11 ખાદ્ય વસ્તુઓ ભરી તેનુ કીડિયારું પૂરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

થાન ખાતે આવેલ દુઃખ ભંજની મેલડીમાં ગ્રુપ તેમજ સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ગૌશાળા, દર્શનાર્થીઓ તેમજ પદયાત્રીઓને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓની નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ દર અગિયારસે 1100 નાળિયેરનુ કીડિયારું પૂરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ સેવાભાવી ગ્રુપ દ્વારા 21000 નાળિયેરનુ કીડિયારું પૂરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા બે મહિનાથી તૈયારી કરવામાં આવી રહી હતી. જેમાં ઘઉનો લોટ બાજરાનો લોટ, ચણાનો લોટ, મકાઈનો લોટ, ગંગાજળ, મધ, ઘી, ગોળ, ખાંડ સહિત ૧૧ વસ્તુઓ મિશ્ર કર્યો હતો અને આ મિશ્ર કરેલ અંદાજે 3 ટન જેટલો જથ્થો નાળિયેરમાં ભરી તેનું કીડિયારું પૂરવામાં આવ્યું હતુ.

21000 નાળિયેરનું કીડિયારું પૂરવાનો સંકલ્પ સેવાભાવી યુવાનોએ કર્યો હતો પરંતુ અન્ય સંસ્થાઓ અને લોકોને પણ તેની જાણ થતાં યથાશક્તિ મુજબ સહયોગ આપતા 23000 નાળિયેરમાં તૈયાર કરી ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા થાન તાલુકાના બાંડીયાબેલી, તરણેતર, વગડીયા, ગૂગલીયાણા‌ સહિતના વીડ વિસ્તારોમાં અલગ અલગ ૨૫ થી વધુ ખાનગી વાહનો દ્વારા ત્યાં જઈ 23000 નાળિયેરનુ કીડિયારું પૂરવામાં આવ્યું હતુ. ચોમાસાની સીઝનમાં કીડી સહિતના સૂક્ષ્મ જીવજંતુને પૂરતો ખોરાક મળી રહે અને કીડીઓની સંખ્યા વધતા તે ઉધઈનો નાશ કરે. જ્યારે ઉધઈના નાશ થવાથી ખેડૂતોને પાકને થતુ નુકશાન અટકે તેવા હેતુથી આ કીડિયારું પૂરવામાં આવ્યું હતું. આ તકે બન્ને સેવાભાવી ગ્રુપના અંદાજે 70થી યુવાનો તેમજ વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શાહબુદ્દીનભાઈ રાઠોડ સહિત સંતો, મહંતો, પૂજારીઓ અને શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સેવાના આ કાર્યને બિરદાવી પ્રશંસા કરી હતી.