ઠાસરાના આગરવા ગામે ત્રણ લોકોનાં કરંટ લાગતા મોત, એક મહિલા ઇજાગ્રસ્ત

ઠાસરાઃ તાલુકાના આગરવા ગામે કરંટ લાગવાથી ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. કૂવાની મોટરમાં કરંટ લાગવાથી ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી પ્રમાણે, આગવાની મુવાડીમાં માતા-પુત્ર અને પુત્રીનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. ખેતરની ઓરડીમાં બે વર્ષની મીરા નામની દીકરીને કરંટ લાગતા માતા બચાવવા પહોંચ્યા હતા. ત્યારે દીકરીને બચાવવા જતા 39 વર્ષીય માતા ગીતાબેનને પણ કરંટ લાગ્યો હતો. આ સાથે માતાની સાથે ઓરડીમાં પહોંચેલા આઠ વર્ષીય દક્ષેશને પણ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ ત્રણેયના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ માતા-પુત્ર અને પુત્રીને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ કરંટ લાગ્યો હતો અને તેમને ઇજા પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્ત મહિલાને હાલ સારવાર અર્થે ડાકોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.