ત્યજી દીધેલા શીશુંને સારવાર માટે લઈ ગયેલી એમ્બ્યુલન્સે ચર્ચા જગાવી !
ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લામાં અજાણી નિષ્ઠુર જનેતાએ પાપ છુપાવવા બાળકને જન્મ આપી તરછોડી દીધાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગતરોજ વહેલી સવારે અજાણી મહિલા નવજાત શિશુને તરછોડી પલાયન થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતુ. તેવામાં સ્થાનિક મહિલાઓને બાળકના રડવાનો અવાજ આવતા તેને હોસ્પિટલ ખાતે લઈ જઈ સારવાર આપી હતી.
પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી
પ્રાપ્ત વિગત અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સમીર ગેસ એજન્સી પાસે આવેલ ખાણ વિસ્તારમાં વહેલી સવારે એક તરછોડેલુ નવજાત શિશુ મળી આવ્યું હતું. ખાણ વિસ્તારના રહેવાસી દક્ષાબેન ગતરોજ વહેલી સવારે તેમના ઘરે રસોડામાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેમના પાડોશીએ બોલાવીને કહ્યું કે, આપણા ઘર પાછળથી એક નાના બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે. જેથી દક્ષાબેન અને તેમના પાડાશીએ તપાસ કરતાં ઘરની પાછળ આવેલી નાળીયેરના કાછલાના ઉકરડામાં નવજાત બાળક મળી આવ્યું હતુ. નવજાત બાળકના શરીર પર કોઈ પણ જાતના ઈજાના નિશાનો પણ ન હતા. નવજાત શીશુને કોઈ અજાણી મહિલા નારીયેળના કાછલાના ઉકરડામાં ત્યજી દીધેલું હોવાનું અનુમાન લગાવીને આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી જતાં સ્થાનિક મહિલાઓ પોલીસની સાથે બાળકને લઈને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સ્થાનિક મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આ બાળકની માતાને શોધવા માટેની તપાસ શરૂ કરી છે.
ઉનાની એમ્બુલન્સને સારવારની જરૂર
ઉલ્લેખનીય છે કે, તરછોડેલા નવજાત બાળકને ઉનાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકને વધુ સારવાર આપવા માટે જુનાગઢ માટે લઈ જવાનું હતું. જેથી બાળકને જુનાગઢ લઈ જવા માટે જ્યારે પોલીસ અને બાળક એમ્બુલન્સમાં સવાર થયાં ત્યારે એમ્બુલન્સ કોઈક કારણોસર શરૂ જ ન થઈ, જેથી ત્યાં હાજર લોકોએ પહેલા એમ્બુલન્સને પાછળથી ધક્કો મારીને એમ્બુલન્સ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં એમ્બુલન્સ શરૂ ન થતાં ફરીવાર એમ્બુલન્સને આગળથી ધક્કો મારવામાં આવતાં એમ્બુલન્સ શરૂ થઈ હતી અને બાળકને સારવાર માટે જુનાગઢ લઈ જવામાં આવ્યું હતું. જો કે, ઉનામાં આ પ્રકારે એમ્બુલન્સની હાલત જોતાં હોસ્પિટલે એમ્બુલન્સની સારવાર કરવી જરૂરી બની છે. જો આ જ પ્રકારે એમ્બુલન્સની હાલત રહી તો ભવિષ્યમાં એમ્બુલન્સના કારણે ઇમરજન્સીમાં કોઈ દર્દી જીવ પણ ગુમાવી દેશે !