July 5, 2024

ઇ-વ્હિકલના ભાવમાં ઘટાડાના એંધાણ, બેટરી મુદ્દે કંપની મોટા સાહસના પ્લાનમાં

Auto News:  આવનારા દિવસોમાં રસ્તા પર મોટી સંખ્યામાં બેટરીથી ચાલતા સુરક્ષિત વાહનો વધુ સંખ્યામાં જોવા મળે એ દિવસો હવે દૂર નથી. બેટરી બળી જવાની કે ફાટી જવાની ચિંતા વગર ઓટો ક્ષેત્રની કંપનીઓ હવે વધારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખરા અર્થમાં ઈ વ્હિકલ્સનું ઉત્પાદન કરવા માટે પગલાં લઈ રહી છે. ટાટા મોટર્સે આ અંગે એક મોટું સાહસભર્યું પગલું લીધા બાદ અન્ય કંપનીઓ પણ પોતાના ઉત્પાદનમાં પર્યાવરણની સુરક્ષા માટે કોઈ નવું સાહસ કરવા જઈ રહી છે. જેમાં મહિન્દ્રા કંપનીનું નામ પહેલી હરોળમાં છે એમ કહેવું ખોટું નહીં પડે. જે રીતે કંપનીએ પોતાના ભવિષ્યની સ્ટ્રેટજી મૂકી છે એ જોતા એવું લાગે છે કે, સ્પર્ધાને કારણે વ્હિકલ્સના ભાવમાં ઘટાડો આવી શકે છે. જોઈએ એક ખાસ રીપોર્ટ.

કિંમતમાં સો ટકા અસર થશે
ભારતમાં આવનારા વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ભારે ઘટાડાની અપેક્ષા દેશના લાખો લોકોને છે. આ દિશામાં બુલેટ ટ્રેનની ગતિએ પ્રયાસો થઈ રહ્યા છે. જેનો સીધો ફાયદો ઈ વ્હિકલ્સ લેનારા લોકોને થશે.મહિન્દ્રા ગ્રુપ સ્થાનિક સ્તરે બેટરી સેલના ઉત્પાદન માટે વૈશ્વિક કંપનીઓ સાથે ભાગીદારીની શક્યતાઓ શોધી રહ્યું છે. આ શક્યતાને મોટો અવકાશ મળશે તો ખરા અર્થમાં ઓટો ક્ષેત્રે માઈલસ્ટોન ઊભો થશે. લોકોને સસ્તાદરે સારૂ વાહન મળી રહેશે. મહિન્દ્રા ગ્રૂપ ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને પહોંચી વળવા ભવિષ્યમાં આવું કરી શકે છે. મહિન્દ્રા ગ્રુપના એમડી અને સીઈઓ અનીશ શાહે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આ માહિતી આપી છે.

આ પણ વાંચો: કાર ખરીદવી હવે મોંઘી પડશે, ઉત્પાદકો પર છે મોટું દબાણ

બેટરી ઉત્પાદનમાં ઝંપલાવી શકે
અનીશ શાહે જણાવ્યું હતું કે, કંપની તેના ઈ-વાહન યુનિટ મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડ (MEAL) ની સંભવિત સૂચિ માટે 2030 સુધીની ટાઈમલાઈન પર વિચારણા કરે છે. એક સેક્ટર કે, જેને આપણે વધુ નજીકથી જોઈ રહ્યા છીએ. તે છે સેલ મેન્યુફેક્ચરિંગ અને આ તે છે જ્યાં વિવિધ વિચારો અને પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જો અમને લાગશે કે તે અમારા માટે જરૂરી છે તો અમે સેલ મેન્યુફેક્ચરિંગ માટે ભાગીદારી પર વિચાર કરીશું. જોકે, હકીકત એ પણ છે કે, ટાટાએ ઈ વ્હિકલ્સ પર ફોક્સ કરતા ઘણી કાર કંપનીઓ આ અંગે પોતે શું નવી કરી શકે એમ છે એના પર ઊંડા વિચાર કરી રહી છે.

મૂડીરોકાણ અત્યારે નહીં
અનીશ શાહે કહ્યું કે, અમે વૈશ્વિક ટેક્નોલોજી પાર્ટનર અને સંભવતઃ પ્રાઈવેટ ઈક્વિટી પાર્ટનર્સ પર પણ ધ્યાન આપીશું, કારણ કે અમે આખી મૂડી હાલ તો મૂકીશું નહીં. જો અમે આ પહેલને અમલમાં મુકીશું તો દેશમાં બેટરી સેલનું સ્થાનિક ઉત્પાદન શરૂ થઈ શકશે. શું આ માટે ઉત્પાદન સુવિધા ભારતમાં બનાવવામાં આવશે, ત્યારે શાહે કહ્યું કે, અમારા માટે આવું કરવાનું એકમાત્ર કારણ સ્વદેશીકરણ છે. તેથી જો આપણે તે માર્ગ પર જઈશું, તો તે ફક્ત ભારતમાં જ થશે. બીજી એક વાત એ પણ જાણવા જેવી છે કે, દુબઈ જેવા અતિ આધુનિક શહેરમાં ઈ વ્હિકલ્સનો સારો એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ખાસ કરીને પબ્લિક ટેક્સીમાં પણ એનો ઉપયોગ ખરા અર્થમાં પર્યાવરણને બચાવલક્ષી પગલું આપી શકે એમ છે.

માર્કેટમાં શું આવશે?
MEAL ને સૂચિબદ્ધ કરવાની યોજના અંગે શાહે કહ્યું કે, તે ઓછામાં ઓછા આગામી 3 થી 5 વર્ષમાં આ થવાનું નથી. ઇલેક્ટ્રિક સેગમેન્ટને આગળ વધવા માટે સમયની જરૂર છે. આ માટે અમે સંભવતઃ 2030 ની સમયમર્યાદા પર વિચાર કરીશું. હવે આવનારા સમયમાં હરિફ કંપની કોઈ રીતે ઈ વ્હિકલ્સ પર ફોક્સ કરે છે તો મહિન્દ્રાએ પણ પોતાના સેગમેન્ટમાં કોઈ નવા ફેરફાર કરવા પડશે. હાલ કંપની પાસે અતિ આધુનિક અને સેન્સર વાળી કારની મોટી રેન્જ છે. જોવાનું એ રહે છે કે, કંપની પોતાની સ્ટ્રેટજી અનુસાર શું નવું માર્કેટમાં મૂકે છે.