December 22, 2024

મહારાષ્ટ્રથી નહીં પણ પાટણથી થયો હતો ગણેશ મહોત્સવનો પ્રારંભ

ભાવેશ ભોજક, પાટણ: સમગ્ર દેશમાં આજથી ગણેશ મહોત્સવનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. દેશભરમાં ઉજવાતા આ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્ર નહી પણ ગુજરાતના ઐતિહાસિક નગર પાટણમાં થઈ હતી. ત્યારબાદ, સમગ્ર દેશમાં આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે. એશિયાના સૌથી પ્રાચીન પાટણના 147માં ગણેશ મહોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે.

સમગ્ર એશિયામા સૌ પ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રથી નહીં પણ ગુજરાતના ઐતિહાસિક નગર એવા પાટણથી થઈ હતી. આજે પાટણમાં મહારાષ્ટ્રિયન પરિવારો દ્વારા 147માં ગણેશ ઉત્સવની ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રિયન પરિવારના નિવાસ્થાનેથી વાજતે ગાજતે શ્રીજીની પાલખીયાત્રા નીકળી હતી. જે ભદ્ર વિસ્તારમાં ફરી ગણેશ વાડી ખાતે પહોંચી હતી. જ્યાં વિધિવત રીતે ગણેશજીની પ્રતિમાને પ્રસ્થાપિત કરી 147 માં ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પાટણમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ 1878 માં ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી અને ત્યારબાદ દેશની આઝાદીની ચળવળ દરમિયાન 14 વર્ષ પછી લોકમાન્ય તિલકે જનજાગૃતિના ભાગરૂપે 1892માં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી ત્યારબાદ સમગ્ર ભારતમાં આ ઉત્સવની શરૂઆત થઈ હતી.

પાટણ ના પ્રાચીન ગણેશ ઉત્સવ ની ખાસિયત એ છે કે ગણેશજી ની પ્રથમ મૂર્તિ જે બનવવામાં આવી હતી તે મૂર્તિના માટી ના અંશ આજે બનાવેલ મૂર્તિમાં પણ ઉપયોગ માં લેવામાં આવે છે અને મૂર્તિ નું માપ પણ પ્રથમ મૂર્તિ પ્રમાણે જ રાખવામાં આવે છે સાથે મૂર્તિ બનાવતી વખતે સતત ગણેશજી ના જાપ કરી મૂર્તિ બનાવવામાં આવે છે. આ પ્રાચીન ગણેશજી નું વિસર્જન અનંત ચતુર્થી ના શુભ મુહૂર્ત માં કરવામાં આવે છે અને તે દિવસે જે કોઈ ભક્ત ભગવાન પાસે મનોકામના રાખે છે તે ચોક્કસ થી પુરી થાય છે. પાટણમાંથી શરૂ થયેલ આ ગણેશ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઘેરઘેર ઉજવાય રહ્યું છે જેને લઇને પાટણમાં ભસતા મહારાષ્ટ્રીયન પરિવારોમાં ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.