December 18, 2024

Iranના રાષ્ટ્રપતિ Raisiના મોત મામલે મોટો ખુલાસો, વાંચો તપાસ કમિટીનો રિપોર્ટ

Iran: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના નિધનને લઈને બજારમાં ઘણી અફવાઓ છે. કેટલાક એમ કહી રહ્યા છે કે તેમનું મૃત્યુ ઇઝરાયેલના મોટા કાવતરાનો ભાગ હતું. જ્યારે અન્ય લોકો તેમના મૃત્યુ પાછળ ઈરાનના લોકોનું નામ લઈ રહ્યા છે. હવે આ અંગે ઈરાનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. કમિટીના રિપોર્ટમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ઈબ્રાહિમ રાઇસીનું હેલિકોપ્ટર એ જ રસ્તે જઈ રહ્યું હતું જે પહેલાથી નક્કી હતું એટલે કે હેલિકોપ્ટર તેના પાથ પરથી હટ્યું ન હતું.

આ સિવાય કમિટીએ રિપોર્ટમાં એમ પણ કહ્યું કે હેલિકોપ્ટરનો પાયલોટ અન્ય હેલિકોપ્ટરના ક્રૂ સાથે સતત સંપર્કમાં હતો. પ્રારંભિક તપાસમાં રાઇસીના હેલિકોપ્ટરને ગોળી મારવામાં આવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

ક્રેશ બાદ આગ ફાટી નીકળી હતી
સમિતિએ કહ્યું કે ઈરાની ડ્રોને જ હેલિકોપ્ટરનું લોકેશન શોધી કાઢ્યું. ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે સોમવારે સવારે 5 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તે પહાડો અને ખડકો સાથે અથડાયું ત્યારબાદ તેમાં આગ લાગી. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દુર્ઘટનામાં એવું કંઈ મળ્યું નથી જે સૂચવે છે કે આ અકસ્માત કોઈ કાવતરાનો ભાગ હતો. જો કે અંતે એવું પણ કહેવામાં આવ્યું છે કે સમિતિને અંતિમ અહેવાલ રજૂ કરવા માટે હજુ વધુ સમયની જરૂર છે.

આ પણ વાંચોઃ અંબાલામાં ગંભીર અકસ્માત: એક જ પરિવારના 7 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

ઉચ્ચ કમિટી તપાસ કરી રહી છે
એક અહેવાલ મુજબ, સોમવારે રાષ્ટ્રપતિ અને અન્ય લોકોના મૃત્યુ પછી તરત જ, ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાગેરીએ અકસ્માતની તપાસનો આદેશ આપ્યો હતો. રાઇસીના હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ રેન્કિંગ કમિટીની રચના કરવામાં આવી હતી જેણે 3 દિવસમાં તેનો પ્રથમ રિપોર્ટ તૈયાર કર્યો છે.

જો દુર્ઘટના પાછળ કોઈ ષડયંત્ર જણાય તો મોટું યુદ્ધ થઈ શકે છે!
રાઇસીના મૃત્યુ પછી, ઈરાન અને અન્ય દેશોમાં હાજર તેના પ્રોક્સી જૂથોએ ચેતવણી આપી છે કે જો આમાં કોઈ ષડયંત્ર સામેલ હશે તો તેઓ વિશ્વનો નકશો બદલી નાખશે. આ અકસ્માત બાદ ઈઝરાયેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ અકસ્માતમાં અમારી કોઈ સંડોવણી નથી.

આ પણ વાંચોઃ ઉત્તર ભારતના રાજ્યોમાં આગ ઝરતી ગરમી, દેશના 16 શહેરમાં પારો 45+

હેલિકોપ્ટર ક્રેશ કેવી રીતે થયું?
ઇબ્રાહિમ રાઇસીનું હેલિકોપ્ટર અઝરબૈજાનની સરહદ પર બંધનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. આ દુર્ઘટના અઝરબૈજાનની સરહદે આવેલા જોલ્ફા શહેર પાસે થઈ હતી, જેમાં રાઇસી, ઈરાનના વિદેશ મંત્રી અને ક્રૂ સહિત કુલ 9 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા. રવિવારે થયેલા અકસ્માત બાદ હેલિકોપ્ટરનું સર્ચ ઓપરેશન સોમવારે સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યું અને ઓપરેશનમાં લાગેલી ટીમોએ પુષ્ટિ કરી કે હેલિકોપ્ટરમાં સવાર તમામ 9 લોકોના મોત થયા છે.