October 8, 2024

પાટણના ત્રણ તાલુકાના ખેડૂતોએ બજાર ભાવથી વળતર ચૂકવવા કલેકટર સમક્ષ કરાઇ માંગ

ભાવેશ ભોજક, પાટણ: પાટણમાં ત્રણ તાલુકાના ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોના ખેતરમાં પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવી લાઈન ખેતરોમાં નાખતા અને તેનું યોગ્ય વળતર ન આપતા ખેડૂતોમા રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની સાથે ધારાસભ્ય દિનેશ ઠાકોર અને કિરીટ પટેલ પણ જોડાયા હતા. ખેડૂતોએ જિલ્લા કલેકટર આપી હાલના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

પાટણ જિલ્લામાં 765 કેવી ની ડબલ સર્કિટ વીજ લાઈન નિર્માણ માટે સરકાર દ્વારા પાવર ગેડ કોર્પોરેશનને કામગીરી સોંપી છે જે અંતર્ગત કંપની દ્વારા જે તે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં જઈને વીજપોલ નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવતું ન હોવાની બૂમ ઊઠવા પામી છે.અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન લેવાતા આજે પાટણ, ચાણસ્મા અને સરસ્વતી તાલુકાના ખેડૂતોએ હારીજના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવી ડબલ સર્કિટ બનાસકાંઠા, અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ કાર્યની કામગીરીમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવાનો સુધારા હુકમ કરવામાં આવે તેવી માંગ કરી છે.

વર્ષ 2017 કરતા પણ ઓછું વળતર કંપની દ્વારા આપવામાં આવતા કલેકટર કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ વીજ પોલનું ફાઉન્ડેશન ભરાય એટલે 40% વળતર ચૂકવવાનું હોય છે. કંપની દ્વારા 80 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે છતાં પણ ખેડૂતોને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જિલ્લાના ખેડૂતો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.

ખેડૂતોના સમર્થનમાં આવેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતે જગતનો પિતા છે ખેડૂતોની જમીનમાં વળતર ચૂકવ્યા વિના પાવર ગ્રીડ કંપનીના કોઈપણ અધિકારી વીજપોલ નાખવા પ્રવેશ કરે તો વીજ થાંભલા તોડી નાખો ખેડૂતો મજબૂત નહીં બને તો આવનારા સમયમાં તેઓ પોતાની જમીન પણ બચાવી નહીં શકે રાજ્યમાં એક જ પોલીસી હોવી જોઈએ મોરબીમાં જે રીતે ખેડૂતોને વળતર ચૂકવાયેલ છે તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવે. નોંધનીય છે કે પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો ને પણ અનેક રજુઆત છતાં કોઈ નિરાકરણ નહિ આવતા ખેડૂતોમાં નારાજગી પ્રસરી હતી.