December 19, 2024

સરકારી બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો ઝડપાયો

અમદાવાદ : અમદાવાદ સાયબર સેલ અને ગુજરાત ATS એ મોટી કાર્યવાહી કરી છે. સરકારી બિલ્ડીંગ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો ઓરિસ્સાથી ઝડપાઇ ગયો છે. ઓરિસ્સાથી ઝડપાયેલા ઝાવેદ અંસારી નામના શખ્સે સરકારી બિલ્ડીંગોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને તેણે ધમકીભર્યા ઇમેલ પણ કર્યા હતા. આરોપીના ઇમેલ બાદ ગુજરાત ATSની ટીમ દોડતી થઇ હતી અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ઝડપાયેલો આરોપી કાર પેન્ટિંગ અને પોલિશિંગનું પણ કામ કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક અઠવાડિયા પહેલા સરકારી ઓફિસોમાં ધમકીભર્યા ઇમેલ આરોપી ઝાવેદ અંસારી દ્વારા કરાયા હતા. સરકારી ઓફિસોમાં ધમકીભર્યા ઇમેલ આવ્યા બાદ અમદાવાદ સાયબર સેલ અને એટીએસની ટીમ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ કરાયું હતું, જે બાદ જાણકારી મળી હતી કે, આ ઇમેલ ઓરિસ્સાથી કરાયા હતા. જે બાદ અમદાવાદ સાઇબર ક્રાઇમ અને એટીએસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી આરોપી ઝાવેદની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યાં જ હવે આરોપીને આવતીકાલે સાંજ સુધીમાં અમદાવાદમાં લાવવામાં આવી શકે છે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ આરોપી ઝાવેદ વિરૂદ્ધ આ પ્રકારનો ગુનો નોંધાઇ ચૂક્યો છે ત્યાં જ એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આરોપીની આ માનસિક્તા હોઇ શકે છે. જોકે હવે સાઇબર ક્રાઇમ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. જે બાદ નવા ખુલાસાઓ થઇ શકે છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા આરોપીએ જે કોમ્પ્યુટર દ્વારા સરકારી ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેને પોતાના કબજામાં લઇ લીધુ છે. ત્યાં જ આરોપી સાથે તેના કોઇ સાગરિત છે કે નહીં તે દીશામાં તપાસ હાથ ધરી છે.