આરોપીને પકડવા માટે સુરતની સારોલી પોલીસે વેશ પલટો કરી ઓરિસ્સામાંથી દબોચી લીધો

Surat Crime: સુરત શહેરમાં નશાના કારોબારને ડામવા માટે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનર અને આદેશ બાદ એક એનડીપીએસની ટીમ તૈયાર કરવામાં આવી છે. આ એનડીપીએસની ટીમ દ્વારા નશીલા પદાર્થોના વેપલા કરતા ઇસમોને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ભાગતા ફરતા આરોપીને સુરતની સારોલી પોલીસે વેશ પલટો કરી ઓરિસ્સાના ગંજામ ખાતેથી ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો: યુવકને વિદેશ જવાની ઘેલછા પડી મોંઘી, 95 લાખ રૂપિયા ગુમાવ્યા પડ્યા

6 કિલો ગાંજાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
ત્રણ માર્ચ 2025 ના રોજ સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દ્વારા વરાછા અશોકનગર પટરી પાસે આવેલ જગન્નાથ મંદિર નજીક જાહેર રોડ પરથી આરોપી બીક્રમા સ્વાઈની ધરપકડ કરવામાં આવી હતી. વરાછા પોલીસે આ આરોપી પાસેથી 6 કિલો ગાંજાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ સુરતની સારોલી પોલીસને સોંપવામાં આવી હતી. સારોલી પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેની સાથે બીમલા કુમાર સ્વાઈ નામનો ઈસમ સંડોવાયેલો છે. તેથી પોલીસે આ ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી હતી. સારોલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે બિમલાકુમાર નામનો આરોપી ઓરિસ્સાના ગંજામ ખાતે લાઠીપાડા ગામમાં ફરી રહ્યો છે. ત્યારે બાતમીના આધારે સારોલી પોલીસની એક ટીમ ઓરિસ્સાના ગંજામ ખાતે રવાના થઈ હતી. પોલીસે આરોપીને પકડવા માટે શાકભાજી વેચનાર તેમજ રિક્ષા ચલાવનાર વ્યક્તિઓનો વેશ પલટો કર્યો હતો અને આરોપીના ઘરની આસપાસ રેકી કરી હતી અને ત્યારબાદ આરોપી બિમલાકુમાર ઉર્ફે સાનો સ્વાઈની ધરપકડ કરી તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો.