118 રત્નકલાકારોના જીવ જોખમમાં મુકનાર ઝડપાયો, થયો મોટો ખુલાસો

અમિત રુપાપરા, સુરત: સુરતમાં 118 રત્ન કલાકારો દ્વારા ઝેરી પાણી પીવાની ઘટનામાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. નિકુંજ દેવમુરારી નામના વ્યક્તિની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી. નિકુંજ અનભ જેમ્સમાં પોતાની મામાની ફેક્ટરીમાં એડમિનિસ્ટ્રેટ વિભાગમાં અસિસ્ટન મેનેજર તરીકે નોકરી કરતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, નિકુંજે ઓનલાઈન ગ્રોસરી ટ્રેડિંગ માટે મિત્ર પાસેથી પૈસા લીધાં હતાં. એક મિત્રના પૈસા ન ચૂકવી શકતા અલગ અલગ લોકો પાસેથી પૈસા લેતા રૂ.10 લાખનું દેવું થયું હતું. નિકુંજનો પગાર 21000 છે અને સામે 10 લાખનું દેવું થઇ ગયું હતું, જે ચૂકવી ન શકતા તેને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. આરોપીએ 31 માર્ચે સરથાણાની કીર્તિ મેડિકલમાંથી સેલ્ફોસ (એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ)નું પેકેટ લીધું હતું. 8 દિવસ સુધી આ પેકેટ તેને પોતાની પાસે રાખ્યું. નવમા દિવસે તેને આપઘાત કરવાનું નક્કી કર્યું અને તે કંપનીના ફ્રીજ પાસે ગયો હતો, પણ તે ઝેરી દવા પીવાની હિંમત ન થતાં તેણે સેલ્ફોસનું તોડેલું પેકેટ પાણીમાં નાખી દીધું હતું.
4થી 5 રત્ન કલાકારોએ આ પાણી પીતા આરોપી નિકુંજ ડરી ગયો અને બૂમાબૂમ કરી, ત્યારબાદ આ ઝેરી પાણી પીધા બાદ કારખાનાના 118 રત્નકલાકારોને સેલ્ફોસની અસર થઈ હતી. જેમાંથી 104 રત્નકલાકારોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, જ્યારે હજુ પણ 4 રત્નકલાકારો ICUમાં અને 12 રત્નકલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યાં હતા.
પોલીસને પહેલા દિવસથી જ નિકુંજ પર શંકા હતી. પોલીસ દ્વારા નિકુંજ પર 24 કલાક નજર રાખવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને નિકુંજનો મોબાઇલ ચેક કરતાં તેના પર દેવું હોવાનું ધ્યાન આવ્યું હતું. છેલ્લે નિકુંજે પણ કબૂલ્યું કે દેવાના કારણે તે આપઘાત કરવાનો હતો. અંતિમ સમયે તેની હિંમત ન થતાં કોઈને ખબર ન પડે તે માટે તેણે ઝેરનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું.