છત પર બેઠો હતો અને શૂટર અને… 10 તસવીરોમાં જુઓ કેવી રીતે થયો ટ્રમ્પ પર હુમલો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલીમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટ્રમ્પને કોઈ નુકસાન થયું નથી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. કાયદા અમલીકરણ અધિકારીઓએ આ માહિતી આપી.
એફબીઆઈએ પેન્સિલવેનિયામાં આજે ટ્રમ્પની રેલીમાં ગોળીબાર કરનાર શૂટરની ઓળખ સ્થાનિક બટલર કાઉન્ટી વિસ્તારના 20 વર્ષીય વ્યક્તિ તરીકે કરી છે. જો કે હજુ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે હુમલાખોર માર્યો ગયો છે.
યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે સાંજે લગભગ 6.15 વાગ્યે એક શંકાસ્પદ હુમલાખોરે બટલર, પેન્સિલવેનિયામાં રેલી સ્થળની બહાર એક ઉચ્ચ સ્થાનેથી સ્ટેજ તરફ અનેક ગોળી ચલાવી હતી.
જે બાદ ફેડરલ એજન્સીના કર્મચારીઓએ તરત જ ટ્રમ્પને ત્યાંથી બહાર કાઢ્યા અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા.
ટ્રમ્પને તેમના જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. પેન્સિલવેનિયામાં યોજાયેલી ટ્રમ્પની ચૂંટણી પ્રચાર રેલીમાં તેમના હજારો સમર્થકો હાજર હતા અને તેનું વિવિધ ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું.
રેલી દરમિયાન ટ્રમ્પને ગોળી મારતાની સાથે જ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તેમને સુરક્ષા માટે ઘેરી લીધા હતા, જોકે ઓફિસરો સાથે જતા ટ્રમ્પે ઓડિયો ફીડ દ્વારા તેમના સમર્થકોને કંઈક કહ્યું હતું.
ટ્રમ્પના પ્રવક્તા, 78 વર્ષીય સ્ટીવન ચ્યુંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમની તબિયત હાલ સ્થિર છે અને સ્થાનિક તબીબી કેન્દ્રમાં તેમની તપાસ કરવામાં આવી રહી છે.
તમામ નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ પર થયેલા આ હુમલાની નિંદા કરી છે.
રાષ્ટ્રપતિ જો બિડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બિલ ક્લિન્ટને હુમલાની નિંદા કરી છે.
“યુએસ સિક્રેટ સર્વિસના કર્મચારીઓ દ્વારા હુમલાખોરને મારી નાખવામાં આવ્યો હતો. ફેડરલ એજન્સીએ તરત જ રક્ષણાત્મક પગલાં લીધા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત છે” સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગલીએલ્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.