September 12, 2024

‘…તો બંગાળ બનશે બીજું બાંગ્લાદેશ’, ગિરિરાજ સિંહ કોલકાતા રેપ કેસ મામલે ભડક્યા

Kolkata Doctor Rape Murder Case: પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાના મામલામાં ભાજપ રાજ્યના CM મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા સીએમ મમતાના રાજીનામાની માંગ કરી છે.

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા કહેવાતા ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિશે કહ્યું, ‘આ ખૂબ જ વિચિત્ર છે અને મને આશ્ચર્ય થાય છે કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ છે, CM (મમતા બેનર્જી) આરોગ્યમંત્રી છે, કાયદો અને વ્યવસ્થા તેમના હાથમાં છે અને તેઓ સત્તામાં છે. જો તે સંભાળી ન શકે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ… જો તેને સત્તા પરથી દૂર કરવામાં નહીં આવે તો બંગાળ બીજું બાંગ્લાદેશ બની જશે…”

મમતા બેનર્જીએ વિરોધ રેલી કાઢી હતી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 16 ઓગસ્ટ, 2024 ના રોજ કોલકાતાના મૌલાલીથી ડોરિના સ્ક્વેર સુધી એક વિરોધ રેલીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં આર જી મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યા કરાયેલ મહિલા ડૉક્ટર માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી.

સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે
સીબીઆઈ હવે આ કેસની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, CBI આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની કોલ ડિટેઈલ અને ચેટની માહિતી એકત્ર કરી રહી છે. સીબીઆઈએ શનિવારે મોડી રાત સુધી ઘોષની લગભગ 13 કલાક પૂછપરછ કરી હતી. રિપોર્ટ અનુસાર CBI ઓફિસરે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલને પૂછવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી છે.