June 30, 2024

જૈન સંપ્રદાયના સંઘ સાથે છેલ્લા 6 વર્ષથી વિહાર કરી રહ્યું છે આ શ્વાન

જય વ્યાસ, ભરૂચ: દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે ત્યારે આ સંઘ સાથે એક શ્વાન પણ જોડાયું છે જે સૌને અચરજ પમાડી રહ્યું છે.

મુંબઇ નગરોદ્ધારક મુનિ મોહનલાલ મ.સા.ના સમુદાયવર્તિ સામુહિક વર્ષિતપવાળા પ.પૂ. ગુરુમા તેઓના આદિ ઠાણા 5 સંઘ સાથે ભરૂચના અંકલેશ્વર પધાર્યા હતા. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે, આ જૈન સંઘ સાથે એક શ્વાન પણ જોવા મળ્યું છે. આ શ્વાનનું નામ જાનું છે. ઉત્તરપ્રદેશ ખાતે ભગવંતો વિહાર દરમ્યાન જૈન સંઘ સાથે આ શ્વાન જોડાયું હતું, ત્યારે છેલ્લા 6 વર્ષથી શ્વાન જાનું જૈન સાધ્વીજીઓ સાથે સતત વિહાર કરે છે, જ્યાં પણ તેઓનો સંઘ જાય છે, ત્યાં સાથે સાથે શ્વાન જાનું પણ પહોચી જાય છે. એટલું જ નહીં જે કોઈપણ આહાર જૈન સાધ્વીજીઓ આરોગે છે, તે જ આહાર શ્વાન જાનું પણ લે છે, અને સાધ્વીજીઓની જેમ ઉકળેલું પાણી જ પીવે છે.

આ પણ વાંચો: અરવલ્લીની ગિરીમાળાને લીલીછમ બનાવવા ડ્રોનથી પહાડોની ટોચ સુધી સીડ બોલ પહોંચાડાયા

આ ઉપરાંત જૈન સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતી તમામ પૂજન વિધિમાં શ્વાન જાનું ખાસ ભાગ લે છે. વહેલી સવારે નવકારશી અને સંધ્યા સમયે ચૌવિહાર પણ શ્વાન જાનું કરે છે. તો જૈન સાધ્વીજીઓ પણ શ્વાન જાનુંને એટલો જ પ્રેમ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ તો શ્વાનને કેટલાક લોકો ધૂતકારે છે પથ્થર મારી ભગાડતા હોય છે. પરંતુ જૈન સાધ્વીજીઓ સાથે રહેતા શ્વાનને જોઈ સૌ કોઈ લોકો આશ્ચર્ય પામી રહ્યા છે.