પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા જૂનાગઢની મુલાકાતે, મહાશિવરાત્રિના મેળામાં આપી હાજરી

જૂનાગઢ: રાજ્યના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળામાં હાજરી આપી હતી. આ દરમિયાન મુળુભાઈ બેરાએ પ્રધાનમંત્રીના કાર્યક્રમની માહિતી આપતા કહ્યું હતું કે 3 માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી સાસણગીરની મુલાકાત કરશે. વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં તેઓ ભાગ લેશે. ટ્રેકર તેમજ સાસણના વન કર્મચારીઓની મુલાકાત કરશે.
પ્રથમ વખત PM નરેન્દ્ર મોદી વાઇલ્ડ લાઈફ ડેની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. સિંહ વસ્તી ગણતરીને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તમામ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ઇકો ઝોનના નોટિફિકેશનને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બે માસની મુદ્દતમાં વધારો કર્યો છે. સ્થાનિક અધિકારીઓની કમિટી બનાવાઈ છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અને ડીસીએફ તેના સભ્ય રહેશે. પ્રદૂષણકર્તા ઉદ્યોગની મંજૂરી માટે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. તેમજ ખેડૂતોને હવે સ્થાનિક કક્ષાએથી જ આપવામાં મંજૂરીઓ આવશે.