June 30, 2024

Junagadhમાં ગ્રાહકો 10નો સિક્કો ન સ્વીકારતા હોવાની વેપારીઓની ફરિયાદ, રિયાલિટી ચેકમાં ખુલાસો

સાગર ઠાકર, જૂનાગઢ: આપણે ત્યાં કહેવાય છે કે સિક્કાની બે બાજુ હોય છે. આ વાત હાલ 10 રૂપિયાના સિક્કામાં પણ જોવા મળી રહી છે. 10 રૂપિયાનો સિક્કો ચલણમાં તો છે પરંતુ વ્યવહારમાં જોવા મળતો નથી. લોકોને 10 રૂપિયાનો સિક્કો આપવો છે પરંતુ લેવો નથી. કોઈ એક જગ્યાએ સિક્કાનો ભરાવો થઈ જાય તે પણ વ્યાજબી નથી. આવી સ્થિતિમાં લોકોમાં જાગૃતતા આવે અને 10 રૂપિયાનો સિક્કો વ્યવહારમાં ઉપયોગમાં લેવાય તે જરૂરી બન્યું છે.

જૂનાગઢ શહેરમાં અલગ અલગ 40 જેટલા વ્યાપારી એસોસિએશન છે. જેમાં અંદાજે 10 હજાર વેપારીઓનો સમાવેશ થાય છે. જેમાંથી અંદાજે અઢીથી ત્રણ હજાર વેપારીઓ એવા છે કે જેમને ત્યાં 10-20 રૂપિયાનો નાણાકીય વ્યવહાર થતો હોય જેમકે કરીયાણાની દુકાન, પાન મસાલાની દુકાન કે પછી ચા અને ઠંડા પીણાંની દુકાનો… આ તમામ એવી જગ્યાઓ છે કે જ્યાં 10-20 રૂપિયાનો વ્યવહાર સામાન્ય છે. આ તમામ વેપારીઓ 10 રૂપિયાનો સિક્કો સ્વીકારી લે છે પરંતુ મુશ્કેલી એ છે કે જ્યારે તેઓ કોઈને આપે છે ત્યારે સામેવાળી વ્યક્તિ સ્વીકારતી નથી બીજું એ કે બેંકમાં સિક્કા લેવાતાં નથી ત્યારે વેપારીની મુડી બ્લોક થાય છે.

આવી સ્થિતિમાં વેપારી મુંઝવણમાં મુકાયા છે અને તે 10 નો સિક્કો લેવાનો ઈનકાર કરે ત્યારે ફરી વેપારી પર આક્ષેપ થાય છે કે વેપારી 10 નો સિક્કો લેતાં નથી. હકીકતમાં વેપારીઓ 10 નો સિક્કો લે છે અને આપે પણ છે ઘણાં લોકો સ્વીકારી લે છે ઘણાં લોકો ઈન્કાર કરે છે. સામે 10 રૂપિયાની નોટ સામે કોઈને વાંધો નથી. વેપારીઓએ આ અંગે ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆત કરી અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લીડ બેંકમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે કોઇ વેપારી પોતાના ભરણામાં સિક્કા લઈને આવે તો સ્વીકારી લેવા અને બેંક સિક્કા લઈ પણ લે છે.

હકીકતમાં આરબીઆઈ દ્વારા સિક્કા ચલણમાં એટલા માટે મુકવામાં આવે છે કે નાની રકમના નાણાકીય વ્યવહાર થવામાં સરળતા રહે અને ઘસારો ઓછો થાય. નાની રકમનો વ્યવહાર વધુ છે. તેથી નોટ જલદી ખરાબ થઈ જાય અને અંતે રદ્દી બની જાય ત્યારે સિક્કો લાંબા સમય સુધી વ્યવહારમાં ચલાવી શકાય છે. આમ 10 રૂપિયાનો સિક્કો જે ચલણમાં છે પરંતુ વ્યવહારમાં નથી તેને વ્યવહારમાં ધમધમતો કરવા એક તો લોકોમાં જાગૃતતા લાવવી પડશે અને સાથે કોઈપણ વ્યક્તિ હોય કે પછી એ વેપારી હોય કે નાગરિક તેણે સ્વીકાર કરવો પડશે તો જ નાના નાણાકીય વ્યવહારને સરળ બનાવી શકાશે.