December 27, 2024

અહો આશ્ચર્યમ્, ડ્રાઈવર વગર 84 કિલોમીટર સુધી દોડતી રહી ટ્રેન

Punjab News: પંજાબમાં આજે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માલસામાનની ટ્રેન લગભગ 84 કિલોમીટર સુધી ડ્રાઈવર વગર દોડતી રહી હતી. આ ઘટનાને પગલે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. માહિતી અનુસાર આ ટ્રેન પંજાબના દસુહા શહેર પાસે રોકી દેવામાં આવી હતી. બીજી બાજુ આ ઘટનાને પગલે રેલવે વિભાગે આ ઘટનાના તપાસના આદેશ આપી દીધા છે. માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કઠુઆ રેલ્વે સ્ટેશન (Kathua Railway Station) પર એક માલસામાન ટ્રેન અચાનક પઠાણકોટ તરફ આગળ વધી હતી. ઢાળના કારણે આ ટ્રેન ડ્રાઈવર વગર દોડવા લાગી હતી અને ત્યારબાદ ટ્રેન લગભગ 84 કિલોમીટર સુધી ડ્રાઈવર વગર દોડતી રહી હતી. આ ઘટનાને પગલે રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

રેલ્વે વિભાગના ઘણા પ્રયત્નો પછી ટ્રેનને પંજાબના મુકેરિયામાં ઉંચી બસ્સી પાસે રોકી દેવામાં આવી હતી. જમ્મુના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરનું કહેવું છે કે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે સવારે લગભગ 7.10 વાગ્યે બની હતી. જમ્મુના કઠુઆમાં ડ્રાઇવરે માલસામાન ટ્રેન નંબર 14806R રોકી હતી. જ્યાં ડ્રાઈવર ટ્રેનમાંથી નીચે ઉતરીને ચા પીવા ગયો હતો. આ દરમિયાન ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને સ્પીડ પકડીને આગળ દોડવા લાગી હતી અને આ ટ્રેન લગભગ 84 કિલોમીટર સુધી ડ્રાઈવર વગર દોડતી રહી હતી.

બીજી બાજુ કઠુઆ રેલ્વે સ્ટેશન નજીકના સૂત્રોનું કહેવું છે કે માલગાડી કોંક્રીટ લઇને જઇ રહી હતી. આ કોંક્રિટ કઠુઆથી ટ્રેનમાં લોડ કરવામાં આવી હતી. જ્યારે ડ્રાઈવર અને કો-ડ્રાઈવર ચા પીવા માટે રોકાયા ત્યારે એન્જિન ચાલુ હતું. સવારે 7:10 કલાકે અચાનક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. જાણકારી અનુસાર ડ્રાઈવરે ટ્રેનમાંથી ઉતરતા પહેલા હેન્ડબ્રેક ખેંચી ન હતી.

જ્યારે ડ્રાઈવરે ટ્રેનને જતી જોઈ તો તેના હોશ ઉડી ગયા
ટ્રેન ચાલુ થતાં ડ્રાઈવરના હોશ ઉડી ગયા હતા ત્યારબાદ આ ઘટનાની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. રેલ્વે વિભાગ દ્વારા આ ટ્રેનને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘણા પ્રયત્નો નિષ્ફળ પણ ગયા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરો અને કર્મચારીઓ દ્વારા આ ટ્રેનને દસુહા નજીક ઉચી બસ્તી વિસ્તારમાં રોકી દીધી હતી. જોકે ત્યાં સુધીમાં ટ્રેને 84 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. સદનસીબે આ પાટા પર સામે કોઇ બીજી ટ્રેન ન હતી, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. રેલવેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને કારણ જાણવા માટે ફિરોઝપુરથી એક ટીમ મોકલવામાં આવી છે.