January 2, 2025

શિક્ષકો અને આચાર્યો માટે ફાયર, સાયબર સહિતની તાલીમનું આયોજન કરાયું

અમદાવાદ: અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકો અને આચાર્યો માટે ફાયર સેફ્ટી, ટ્રાફિક અવેરનેસ અને રોડ સેફ્ટી તેમજ સાઇબર ક્રાઇમ બાબતેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ બાદ આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને તે અંગે સમજણ આપવાની હતી તથા સ્કૂલમાં પણ અલગ અલગ પ્રવૃત્તિ કરવાની હતી. તાલીમના ત્રણ મહિના કેટલા સમય બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સ્કૂલોને પત્ર લખીને પાંચ દિવસમાં સ્કૂલોએ કરેલી કાર્યવાહીનો અહેવાલ રજુ કરવા માટે આદેશ કરવામા આવ્યો છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને અમદાવાદ ડીઇઓ વિવિધ ડિપાર્ટમેન્ટના સહયોગથી ફાયર સેફ્ટી, રો઼ડ સેફ્ટી સહીતની તાલીમ આપવામા આવી હતી પરંતુ સ્કુલો દ્વારા તેને આગળ વધારવામા આવી કે નહી તેને લઇને ડીઇઓ એક્શનમાં આવ્યા છે અને તમામ શાળાઓ પાસેથી તેનો અહેવાલ રજુ કરવા માટે આદેશ કરવામા આવ્યો છે. અમદાવાદના ડીઇઓએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થી, વાલી તેમજ સ્કૂલના આચાર્ય અને શિક્ષકો માટે ફાયર સેફટી અંગેની તાલીમ રાખવામાં આવી હતી. ફાયરની ટ્રેનીંગ બાદ ટ્રાફિક વિભાગ સાથે મળીને રોડ સેફ્ટી, એએમસી અને પોલીસ સાથે મળીને સ્કૂલે જતા બાળકોની સલામતી અને ટ્રાફિક બાબતોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ સાથે મળીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં સાઇબર ફ્રોડ તેમજ સાયબર સલામતી માટેની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ અલગ અલગ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે આ તાલીમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હિતમાં હતી જેથી સ્કૂલે ખરેખર વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરી છે કે કેમ તે જાણવા માટે ફોર્મ તૈયાર કરીને જ સ્કૂલને આપવામાં આવ્યું છે જેમાં સ્કૂલે તમામ વિગત ભરવાની રહેશે.