July 1, 2024

ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ટ્રાન્સજેન્ડર નિશુલ્ક અભ્યાસ કરી શકશે

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદની ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ નિશુલ્ક અભ્યાસ કરી શકશે. આ પહેલનો ઉદ્દેશ્ય ટ્યુશન ફીનાં બોજ વિના ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ પૂરું પાડવાની તક આપવાનો છે. જે માટે એડમિશન લેવા માટેની તમામ વિગત યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. હાલ યુનિવર્સિટીમાં 100 જેટલા ટ્રાન્સજેન્ડર અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત 18 જેટલા સેક્સ વર્કર પણ અભ્યાસ કરી પોતાને શિક્ષિત કરી રહ્યા છે.

BAOU દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા તમામ ટ્રાન્સજેન્ડર્સ માટે મફત શિક્ષણ પ્રદાન કરવા એક અભૂતપૂર્વ પહેલની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર પગલું યુનિવર્સિટી દ્વારા બધા માટે સમાન તકો માટેની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. ડિસેમ્બર 2019થી BAOU તેના ‘અત્રી’ સ્પેશિયલ લર્નર સપોર્ટ સેન્ટર દ્વારા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને મદદ કરવામા આવે છે. ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને શિક્ષણની સમાન તક મળે તેની ખાતરી માટે ’અત્રી’ કેન્દ્ર વ્યવસ્થા પૂરી કરે છે. આ કેન્દ્ર શૈક્ષણિક વાતાવરણને ઉત્તેજન આપવા માટે ઉપયોગી બની રહ્યું છે. શૈક્ષણિક સહાય ઉપરાંત BAOU તેજ તૃષા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ દ્વારા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવામા આવે છે. આ પ્રોગ્રામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે વિવિધ કળા અને પ્રદર્શનમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

આ પણ વાંચો: APJ અબ્દુલ કલામ ટેક્નીકલ યુનિવર્સિટી સાથે 120 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત કનેક્શન સામે આવ્યું

આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાયે ન્યુઝ કેપિટલને જણાવ્યુ હતુ કે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને મફત શિક્ષણ આપીને એક પગલું આગળ વધારવાનો નિર્ણય સર્વોચ્ચ સત્તા મંડળ દ્વારા લેવામા આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય ટ્યુશન ફીનાં બોજ વિના ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આમંત્રિત કરીએ છીએ જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે. BAOU રસ ધરાવતા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને યુનિવર્સિટીની વેબસાઇટ પર અભ્યાસ વિશે માહિતી મુકવામાં આવી છે.