February 3, 2025

નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત મળશે, સરકાર એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહી છે: નીતિન ગડકરી

Uniform Toll Policy: સરકાર નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. આ માટે, સરકાર નેશનલ હાઇવે પર એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ નિવેદન આપતા કહ્યું, ‘નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવા માટે સરકાર એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહી છે.’

ગડકરીએ સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહ્યા છીએ. આનાથી મુસાફરોને પડતી સમસ્યાનો ઉકેલ આવશે. તેમણે એમ પણ કહ્યું કે હવે ભારતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા સાથે મેળ ખાય છે.

સોશિયલ મીડિયા પર મુસાફરો દ્વારા કરવામાં આવતી ફરિયાદોને પણ મંત્રાલય ગંભીરતાથી લે છે
નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સોશિયલ મીડિયા પર મુસાફરો દ્વારા કરવામાં આવતી ફરિયાદોને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે અને અને આમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. હાલમાં, નેશનલ હાઇવે પર ખાનગી કારનો ટ્રાફિક લગભગ 60 ટકા છે, પરંતુ આ વાહનોમાંથી ટોલ આવકનો હિસ્સો માંડ 20-26 ટકા છે.

તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં વધુને વધુ વિસ્તારો ટોલિંગ સિસ્ટમ હેઠળ આવતા હોવાથી હાઇવે પર ટોલ ચાર્જમાં વધારો થયો છે, જેના કારણે વપરાશકર્તાઓમાં ઘણીવાર અસંતોષ જોવા મળે છે. 2023-24માં ભારતમાં કુલ ટોલ વસૂલાત રૂ. 64,809.86 કરોડ થઈ, જે પાછલા વર્ષ કરતાં 35 ટકાનો વધુ છે.

2019-20 માં કલેક્શન 27,503 કરોડ રૂપિયા હતું. નેશનલ હાઇવે પરના તમામ યુઝર ફી પ્લાઝા નેશનલ હાઇવે ફી (દર નિર્ધારણ અને વસૂલાત) નિયમો, 2008 અને સંબંધિત કન્સેશન કરારની જોગવાઈ અનુસાર સ્થાપિત કરવામાં આવ્યા છે. નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચાલુ નાણાકીય વર્ષમાં, હાઇવે મંત્રાલય નાણાકીય વર્ષ 2020-21માં દરરોજ 37 કિમીના હાઇવે બાંધકામના અગાઉના રેકોર્ડને વટાવી જશે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 7,000 કિલોમીટર હાઇવે બનાવવામાં આવ્યા છે.