આદિવાસી સમાજ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરાયું, આદિવાસી નૃત્યએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું

નીલુ ડોડીયાર દાહોદ: ગુજરાતના લોકમેળા જે-તે વિસ્તારની સંસ્કૃતિની આગવી ઓળખ છે. આદિવાસી જિલ્લા દાહોદમાં વિવિધ પ્રકારના મેળા યોજાતા હોય છે. તેમાંનો એક મેળો એટલે ઢોલ મેળો. દાહોદમાં દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ધુળેટીના પર્વ પહેલા અગિયારસના દિવસથી ઢોલ મેળાનો પ્રારંભ થયો છે.
રવિવારે રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર વિશાળ ઢોલ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં આદિવાસી સમુદાય અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આદિવાસી સમાજમાં ઢોલનું અનેરુ મહત્વ છે. સારા હોય કે દુઃખના પ્રસંગ હોય ઢોલનો ઉપયોગ જરૂર થાય છે, પણ આધુનિક યુગમાં ઢોલ ધીમે ધીમે લુપ્ત થતા જઈ રહ્યા છે. ત્યારે ઢોલ જીવંત રહે તે માટે ખાસ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આદિવાસી સમાજના મોટા ભાગના લોકો પેટયુ રળવા માટે મોટા શહેરો તરફ હિજરત કરતા હોય છે. ત્યારે હોળી ધૂળેટી તહેવારને લઈને ગુજરાતના મોટા શહેરોમાં રોજીરોટી મેળવવા ગયેલા આદિવાસી સમાજના લોકો માદરે વતન ફરતા હોય છે. ત્યારે ઢોલ મેળામાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને દાહોદ સહિત પંચમહાલ, છોટા ઉદેપુર અને મહીસાગર તેમજ આદિવાસી સમાજની વસ્તી ધરાવતા જિલ્લાઓમાંથી 250થી વધુ ઢોલ મંડળીઓ પોતાના સાથીઓ સાથે આવી. તેઓનું કહેવું છે કે આદિવાસી સંસ્કૃતિ જીવંત રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. ઢોલ મેળામાં ખાસ આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું. નૃત્ય જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.
ઘણા લોકો દરવર્ષે આ મેળો જોવા આવતા હોય છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા વિધાનસભા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર પણ આદિવાસી સંસ્કૃતિનું ઢોલ વગાડી તેના પર નૃત્ય કરતા જોવા મળ્યા હતા.