July 2, 2024

જમીનના ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર બે આરોપીઓને દબોચ્યા

મિહિર સોની, અમદાવાદ: જમીનોના ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર બે આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આરોપીઓ મોહમ્મદ ઈસ્માઈલે ઉર્ફે શજ્જુ શેખ વર્ષ 2010માં ફરિયાદી અબ્દુલસલામ સીરાજુદ્દીન મન્સૂરીની નારોલ ગ્યાસપુરમાં આવેલી 40 કરોડની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી ફરિયાદી પાસે 12 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જમીનમાં બોગસ પાવર ઓફ એટર્ની કરનાર નોટરી કરનાર તરંગ દવેની પણ ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાતા આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: અમરેલીમાં વાવાઝોડા-કમોસમી વરસાદને કારણે તારાજી, પાકને મોટાપાયે નુકસાન

આરોપી મોહમ્મદ ઈસ્માઈલે ઉર્ફે શજ્જુ શેખની જુહાપુરા ઓફિસમાંથી વિવિધ જમીનોના 65થી વધુ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો બનાવટી હોવાની પોલીસને શંકા છે. આ મળી આવેલા દસ્તાવેજ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાના દસ્તાવેજો હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી મોહમ્મદ ઈસ્માઈલે ઉર્ફે શજ્જુ શેખ અમદાવાદ શહેર તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બનતી સ્કિમો વાળી જમીનોની રેકી કરી તેના 7-12માં તપાસ કરી તેના ખોટા પાવર ઓફ એટર્ની બનાવતા હતા. જેમાં આરોપી મોહમ્મદ ઇસ્માઇલ અત્યાર સુધી અનેક જમીનોમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી અને જમીન પર દાવા કરી લીટીગેસ ઉભી કરતા હતા.

આ પણ વાંચો: મેઘાણીનગરમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ, એક આરોપીની ધરપકડ

બીજી બાજુ તમામ બોગસ દસ્તાવેજ નોટરી કરનાર તરંગ દવેની તપાસ કરતા 14 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં જમીન કૌભાંડમાં બોગસ દસ્તાવેજ બનાવ્યા છે. મુખ્ય આરોપી મોહમ્મદ ઈસ્માઈલે વિરુદ્ધ 8 જેટલા જમીન કૌભાંડ ગુના નોંધાયા છે. બે આરોપી સિવાય અન્ય બિલ્ડરની સંડોવણી સામે આવી શકે છે. હાલ બંને આરોપીઓને કોર્ટમાં હાજર કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જો કે નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને જોતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.