November 24, 2024

ધારાગઢ સામૂહિક આપઘાત કેસમાં પઠાણી ઉઘરાણી જવાબદાર

સંજય વાઘેલા, જામનગર: જામનગરમાં માધવપાર્ક-1 વિસ્તારમાં રહેતા અને બ્રાસ પાર્ ના વ્યવસાય સાથે સંકળાયેલા ધુંવા પરિવારના ચાર સભ્યોને ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ પાસે અવાવરૂ જગ્યાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ મામલાની જાણ થતાં ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મૃતકના પરિવારજનોને આ મામલાની જાણ કરી હતી. સ્થળ પરથી મળેલા પરિવારજનોના મોબાઈલના આધારે પોલીસે આ આપઘાત મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આહીર પરિવારના પતિ, પત્ની, પુત્ર અને પુત્રી એ સાથે આપઘાત કર્યો હતો. પરંતુ આખા પરિવારે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે ચર્ચાનો વિષય બની જતા મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇ આ મામલાની તપાસ SITની ટીમ અને સાયબર સેલ સહિત ભાણવડ પોલીસને આપવામાં આવી હતી. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે મોબાઈલમાં મળેલા મેસેજ અને પુરાવા બાદ આખરે બે વ્યક્તિઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સામૂહિક આપઘાત મામલે ભાણવડ પોલીસે મૃતક અશોકભાઈ ધુંવાના ભાઈની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના મૃતદેહની પાસે મળી આવેલી એક સ્યુસાઇડ નોટ સમગ્ર મામલાને ઉજાગર કર્યો હતો. મૃતક અશોકભાઈ ધુંવા જેઓ જામનગરમાં બ્રાસપાટના ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. તેઓને વિશાલ દરબાર વી.એમ મેટલ વાળા પૈસા માટે હેરાન કરતા હતા. તેમજ વિશાલ પ્રાગડા સમર્પણ વાળા પાસેથી અશોક ભાઈ ધુંવા પાંચ લાખ 53 હજાર રૂપિયા માંગતા હોય તેઓએ અનેક વખત પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ આરોપી વિશાલ પ્રાગડાએ છેલ્લા ચાર માસથી પૈસા તેઓને આપતા ન હતા. જ્યારે સામે વિશાલ જાડેજા 20 લાખ મામલે ધાકધમકી અને માર મારવામાં આવતા આ પરિવારે બંને લોકોના ત્રાસથી ઝેરી દવા પી સામૂહિક આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ઓનલાઈન કમાણીની લાલચમાં ફસાયો સુરતી યુવાન, આરોપીની અમદાવાદમાં ધરપકડ

આરોપી વિશાલ જાડેજા દ્વારા મૃતક અશોકભાઈને માર મારવામાં આવ્યો હતો અને તે બિલ કૌભાંડ કરતો હોય અને ખોટા બિલના પૈસા હતા તેને લેવા હતા. જેથી અશોકભાઈએ આપઘાત કરી લીધાનું ગુજરાતીમાં લખાણ પણ કર્યું હતું. મોબાઇલમાંથી મળી આવેલા વીડિયો ક્લિપ મેસેજો વિશાલ જાડેજાના કડક અને પઠાણી ઉઘરાણીના બોલતા પુરાવા છે. અશોકભાઈ ધુંવા તેમની પત્ની લીલાબેન ધુંવા પુત્ર જતીન ધુંવા પુત્રી કિંજલ ધુંવાએ એકી સાથે ભાણવડ પાસેના ધારાગઢ ગામ પાસે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. તેઓની સુસાઇડ નોટ અને મોબાઇલ ફોનમાંથી મળેલા પુરાવાના આધારે આરોપી વિશાલ જાડેજા વીએમ મેટલવાળા તથા વિશાલ પ્રાગડા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સામૂહિક આપઘાતના દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા હોઈ પોલીસે પણ સીટની રચના કરી તેમજ સાયબર સેલની મદદથી આ સામૂહિક આપઘાતના જવાબદાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. વ્યાજના વિશ ચક્રમાં ફસાયેલા લોકોની મદદે પોલીસે આવે એ માટે પોલીસ પણ ખૂબ જાહેરાતો અને પ્રચાર પ્રસાર કરે છે પણ પઠાણી ઉઘરાણીમાં એક આખો પરિવાર હોમાઈ ગયો. આ મામલે બને જિલ્લાઓમાં શોકનુ મોજું છે તો આવા બનાવ અટકે તે માટે પઠાણી ઉઘરાણી કરતા આવા માથાભારે શખ્સોને પણ દાખલા રૂપ સજાઓ થાય તે જરૂરી છે.