January 10, 2025

વિસનગરમાં બે નબીરાઓએ છાકટા બની હથિયારો સાથે રીલ બનાવી

મહેસાણા: સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે યુવકો હથિયારો સાથે રીલ બનાવીને તેને વાયરલ કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર બાદ વિસનગરના નબીરાઓ પણ છાકટા બન્યા હોય તેમ હથિયારો સાથે વીડિયો બનાવી વાયરલ કર્યો છે. વિસનગરમાં બે યુવાનો ગાડીઓ પર ખુલ્લેઆમ હથિયારોની સાથે વીડિયોમાં નજર આવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવા માટે કેટલાક લોકો રિલ્સ બનાવતા હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે. વિસનગરમાં ગાડી પર ઉભા રહી બે યુવકોએ પોતાના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર રાખ્યું હતું ત્યારે જ કોઈ વ્યક્તિએ આ વીડિયો ઉતાર્યો હાવાનું સામે આવ્યું છે. વિક્રમ અને વિરાટ ઠાકોર નામના આ બંને યુવકોએ સરાજાહેર પિસ્તોલ લઈને રીલ બનાવી છે જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હાથમાં તમંચા જેવા હથિયાર સાથે ગાડી ઉપર ઉભા રહીને વીડિયો કેમ બનાવ્યો અને તેમની પાસે રહેલ હથિયાર તેઓ ક્યાંથી લાવ્યાને તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે.

જોકે આ વાયરલ વીડિયોને લઈને એક સવાલ એ પણ ઉદ્ભવી રહ્યો છે કે શું વિક્રમ અને વિરાટ ઠાકોર હથિયારો સાથે લોકોમાં ડરનો માહોલ ફેલાવવા માંગે છે. શું બંને યુવકોનો અગાઉથી જ કોઈ ગુનાહિત ઈતિહાસ છે. હાલમાં તેમના વિરૂદ્ધ વિસનગર પોલીસે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં તે વિશે કોઈ માહિતી સામે આવી નથી.