December 25, 2024

UGC-NET પેપર પરીક્ષાના એક દિવસ પહેલા ડાર્કનેટ પર અપલોડ કરવામાં આવ્યું હતું, CBIનો ખુલાસો

UGC-NET Paper Leak: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી UGC-NET પરીક્ષા રદ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમને ગૃહ મંત્રાલય દ્વારા પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી, ત્યારબાદ પેપર રદ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ, આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોટી માહિતી મળી છે. CBIએ તેની તપાસ બાદ કહ્યું છે કે UGC-NET પેપર એક દિવસ પહેલા લીક થયું હતું. પરીક્ષા પહેલા ડાર્કનેટ પર પેપર અપલોડ કરવામાં આવ્યું હતું.

પેપર રદ કર્યા બાદ સરકારે CBIને તપાસની જવાબદારી સોંપી છે.
તપાસ દરમિયાન CBI એ શોધી રહી છે કે UGC NET પરીક્ષાનું પેપર ક્યાંથી લીક થયું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રશ્નપત્ર સોવમાર (17 જૂન)ના રોજ લીક થયું હતું, ત્યારબાદ તેને એનક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. પકડાઈ ન જાય તે માટે આરોપીઓએ લીક થયેલું પ્રશ્નપત્ર ડાર્કનેટ પર પોસ્ટ કર્યું હતું. સીબીઆઈ કેસ સંબંધિત વિગતો એકત્રિત કરવા માટે એનટીએ અને અન્ય એજન્સીઓના સંપર્કમાં છે.

પરીક્ષાના એક દિવસ પછી UGC-NET રદ
નોંધનીય છે કે, શિક્ષણ મંત્રાલયે બુધવારે (19 જૂન) ના રોજ NTA દ્વારા આયોજિત UGC-NET પરીક્ષાને રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની તપાસ તાત્કાલિક સીબીઆઈને સોંપવામાં આવી હતી. મંત્રાલયને માહિતી મળી હતી કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને ઉતાવળમાં રદ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓએ એક દિવસ અગાઉ એટલે કે મંગળવારે (18 જૂન) પરીક્ષા આપી હતી. પેન અને પેપર મોડમાં લેવાયેલી આ પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

UGC-NETની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશેઃ શિક્ષણ મંત્રાલય
શિક્ષણ મંત્રાલયે ગુરુવારે (20 જૂન) કહ્યું કે UGC-NET પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આ માટે તારીખો અને અન્ય મહત્વની બાબતો અલગથી જાહેર કરવામાં આવશે. UGC-NET પરીક્ષા દ્વારા, જુનિયર રિસર્ચ ફેલોશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક અને દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પીએચડીમાં પ્રવેશ માટે ભારતીયોની પાત્રતા નક્કી કરવામાં આવે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે છે.

દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશેઃ શિક્ષણ મંત્રી
UGC-NET રદ્દ થયા બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સ્કેનર હેઠળ છે. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે NEET પેપર લીક અને UGC-NETના સંબંધમાં NTA અધિકારીઓ સહિત દોષિત કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર હવે NTAની કામગીરીની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. તેમજ કહ્યું કે સરકાર કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષાઓ યોજવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે UGC-NET રદ કરવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. અમને પુરાવા મળ્યા કે પ્રશ્નપત્ર ડાર્કનેટ પર લીક થયું હતું. તેને ટેલિગ્રામ પર પણ શેર કરવામાં આવી રહ્યો હતો. આ પછી જ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.