October 5, 2024

Union Budget: સતત સાતમી વખત બજેટ રજૂ કરી રેકોર્ડ બનાવશે નિર્મલા સીતારમણ, પૂર્વ વડાપ્રધાનને છોડશે પાછળ

Union Budget: સંસદના બજેટ સત્રની તરીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 22 જુલાઇના રોજથી બજેટ સત્રની શરૂઆત થશે. બજેટ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ટ્વિટર (X) પર પોસ્ટ કરીને બજેટ સત્રની તરીખોની જાહેરાત કરી છે. 23 જુલાઇના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પૂર્ણ બજેટ રજૂ કરશે. આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે.

સતત સાતમી વખત બજેટ રજૂ કરીને પૂર્વ પીએમની આગળ જશે નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારની પ્રાથમિકતા અને વિકસિત ભારતની દિશા નક્કી કરશે. નાણામંત્રી સીતારમણે 1 ફેબ્રુઆરી 2024ના રોજ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી સીતારમણ 23 જુલાઈએ પોતાનું સતત સાતમું બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવશે. અગાઉ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ નાણા પ્રધાન હતા ત્યારે તેમણે સતત 6 વખત બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે ગત મહિને સતત બીજી ટર્મ માટે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો.

સીતારમણના નામે પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બનવાનો રેકોર્ડ
નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે મોદી સરકારમાં સતત ત્રીજા કાર્યકાળ માટે મંત્રી તરીકે સામેલ થનાર પહેલા મહિલા બનવાનો રેકોર્ડ છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી. 2017માં પ્રથમ મહિલા રક્ષામંત્રી બન્યા. આ પહેલા તેઓ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી હતા. 2019ની સામાન્ય ચૂંટણીઓ બાદ જ્યારે અરુણ જેટલી (નાણા પ્રધાન 2014-19) બીમાર પડ્યા ત્યારે સીતારમણે નવી ચૂંટાયેલી મોદી સરકારમાં નાણાં વિભાગનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ સ્વતંત્ર ભારતમાં પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બન્યા. અગાઉ ઈન્દિરા ગાંધીએ ભારતના વડાપ્રધાન હતા ત્યારે ટૂંકા ગાળા માટે વધારાના વિભાગ તરીકે નાણા વિભાગનો કાર્યભાર સંભાળ્યો હતો.

રાજકારણમાં આવતા પહેલા કોર્પોરેટ જગતનો હિસ્સો હતા સીતારમણ
નિર્મલા સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ મદુરાઈમાં રેલવેમાં કામ કરતાં નારાયણ સીતારમણ અને સાવિત્રીના ઘરે થયો હતો. સીતારમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને Mphil કર્યું છે. રાજકારણમાં આવતા પહેલા સીતારમણ બ્રિટનમાં કોર્પોરેટ જગતનો હિસ્સો હતા. જ્યાં તેઓ પોતાના પતિ પરકલા પ્રભાકર સાથે રહેતા હતા. બંનેની મુલાકાત JNUમાં અભ્યાસ કરતાં દરમિયાન થઈ હતી આબે 1986માં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમના દીકરી પરકલા વાંગમયીએ હૈદરાબાદમાં સેન્ટર ફોર પબ્લિક પોલિસી સ્ટડીઝના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કામ કરેલું છે. શહેરમાં એક સ્કૂલ પણ શરૂ કરી. તેઓ 2003 થી 2005 દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ હતા.