July 2, 2024

કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે સુરતમાં ઉજવ્યો યોગ દિવસ, કહ્યુ – યોગ જીવન અને સંસ્કૃતિ

અમિત રુપાપરા, સુરતઃ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં પણ ઐતિહાસિક કિલ્લામાં સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

સમગ્ર દેશમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સુરતના ઔતિહાસિક કિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ તેમજ સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપરાંત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આજે યોગ દિવસનો આંતરરાષ્ટ્રીય 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જમ્મુ કશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને અનેક વિશ્વના દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના કાર્યક્રમમાં 50થી 60 લાખ જેટલા લોકો જોડાયા હતા. યોગ આપણી સંસ્કૃતિ છે, યોગ આપણું જીવન પણ છે, કોઈ પણ પ્રકારની દવા વગર કોઈપણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાની યોગની તાકાત છે. એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રસાર અને પ્રચાર થાય અને આપણા દેશમાં જ્યારે આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી અને તેના પર લોકોનો વિશ્વાસ ઓછો થતો હતો.

તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 176 દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને તેમાં જોડાવા માટે સંમત કર્યા. આ પણ એક રેકોર્ડ છે. જેના કારણે અનેક દેશોએ યોગ દિવસના દિવસે તેમજ રોજબરોજના જીવનમાં યોગા અભ્યાસને સમાવવામાં આવ્યો છે. એટલા માટે અનેક યોગગુરુને તેમની લોકપ્રિયતા આપણે જોઈએ છે તેમને આ યોગના કારણે સફળતા મળતી હોય એવું જોઈએ છીએ. આ સફળતા આ યોગની સિદ્ધિ, આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા વિશ્વમાં કરીને યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને તેમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે અને આપણા દેશ માટે કર્યું છે. આ માટે આપણે તેમને અભિનંદન આપીએ.